વિસનગર તા.17
વિસનગરમાં ખાદીધારી દ્વારા બુટલેગરને આપવામાં આવતું ખોટુ
પ્રોત્સાહન પોલીસને ભારે પડયુ છે. ટ્રાફીક કામગીરી કરનાર ખુદ પી.આઈ.ને જોઈ લેવાની
ધમકી આપનાર બુટલેગર બંધુઓની પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે. જોકે આ
બનાવમાં બુટલેગરને બચાવવા ખાદીધારી મેદાને
ઉતરતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. ભાવનાબેન પટેલ
ઉત્તરાયણના દિવસે ટ્રાફીક કામગીરીમાં હતા. દરમ્યાન એસ.ટી.સ્ટેન્ડ રોડ ઉપર કાળા
કાચવાળી બે કારો રોડ વચ્ચે પડી હતી.
ટ્રાફીકમાં અડચણરૃપ આ બન્ને કાર જેમના વિરુધ્ધ અનેક ગુનાઓ નોધાયા છે.તે લીસ્ટેડ
બુટલેગર રઘાજી ઉર્ફે રધજી સબાજી મણાજી ઠાકોર તથા વિક્રમજી સવાજી મણાજી ઠાકોરની
હતી. પી.આઈ. બી.કે.પટેલે રોડ વચ્ચે પાર્ક કરેલી આ બન્ને કાર હટાવવાનુ કહેતા
બુટલેગર ભાઈઓ પોલીસ ઉપર તાડુક્યા હતા કે તમારાથી થાય તે કરી લો, રસ્તામાંથી ગાડીઓ
નહી હટે તમે અમને ઓળખતા નથી. વધારે માથાકુટ કરશો તો નોકરી કરવાનુ ભારે પડી જશે.
બુટલેગરોની આ દાદાગીરી જોઈ પોલીસ પણ ડઘાઈ ગઈ હતી અને બીજો પોલીસ સ્ટાફ બોલાવવાની
ફરજ પડી હતી.વિસનગરમાં અગાઉ પણ પોલીસ લાઈન ઉપર વિદેશી દારૃના બુટલેગરો દ્વારા હુમલાના
બનાવ બન્યા છે. ત્યારે આવા માથાભારે બુટલેગર સામે પોલીસે કાર્યવાહી કરતા શહેરના એક
ખાદીધારી દ્વારા બુટલેગરને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વિસનગર પોલીસે આ બન્ને
બુટલેગર ભાઈઓ સામે પોલીસ કામગીરીમાં અડચણરૃપનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
.