Sunday, July 25, 2021
More

  Latest Posts

  VS હોસ્પિટલના બાકી રહેલા સ્ટાફમાંથી 42 કર્મચારીઓની રાતોરાત બદલી

  – જુની વી.એસ.હોસ્પિટલ માટે સારૂં ખંભાતી તાળું શોધી રહેલા શાસકો

  – મેયર અને કમિશનરે વારંવાર કહ્યંુ હતું કે જુની વી.એસ.ને બંધ નહીં થવા દેવા

  અમદાવાદ શહેરમાં નેવુ વર્ષ અગાઉ માત્ર ચાર લાખ રૂપિયાના દાતાઓના દાનની મદદથી હોસ્પિટલ શરૂ કરાઈ હતી.વર્ષ-1931માં બનાવાયેલી વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ માટે મ્યુનિ.ના શાસકો અને વહીવટી તંત્રના અધિકારીઓ સારૂ ખંભાતી તાળુ શોધી રહ્યા છે.

  જુની વી.એસ.હોસ્પિટલ કોઈ સંજોગોમાં અમે બંધ નહીં થવા દઈએ.એવુ વારંવાર મિડીયા સમક્ષ કહેનારા મેયર બિજલ પટેલ અને કમિશનર વિજય નહેરાના તંત્ર દ્વારા જુની વી.એસ.હોસ્પિટલમાં બાકી રહેલા સ્ટાફમાંથી બેતાલીસ કર્મચારીઓની રાતોરાત બદલી કરી નાંખી એમને અન્યત્ર ફરજ પર હાજર કરી દીધા છે.

  અમદાવાદ અને અમદાવાદ બહારથી  સારવાર માટે જુની વી.એસ.હોસ્પિટલ સુધી આવતા હજારો દર્દીઓ મેયર અને કમિશનરને પુછી રહ્યા છે,દર્દીઓને તમે એસ.વી.પી.માં ધકેલો છો,તમારી પાસે સ્ટાફ નથી.મોટાભાગના વિભાગો બંધ કરી દીધા છે.તો બજેટમાં મંજુર કરેલા રૂપિયા બસ્સો કરોડ વાપરશો કયાં?

  વર્ષ-1931માં સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જે એ સમયે સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ ખાતે અવારનવાર રોકાણ કરતા હતા.તેમની આગળ વિચાર મુકયો,બાપુ આ અમદાવાદ શહેરમાં ગરીબોને સારી સારવાર મળે એવી એક હોસ્પિટલ હોવી જોઈએ.

  ગાંધીજીએ એમના આ વિચારમાં સહમતિ દર્શાવતા ચિનાઈ પરીવાર અને શેઠ વાડીલાલ સારાભાઈ પરીવાર એમ બે પરીવારો તરફથી મળેલા એ સમયના રૂપિયા સાડા ચાર લાખના દાનમાંથી 120 બેડની વી.એસ.હોસ્પિટલ શરૂ કરાઈ હતી.

  સમયની સાથે વી.એસ.હોસ્પિટલ વટવૃક્ષની જેમ આગળ વધી.દેશ અને દુનિયામાંથી દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હતા.આ ઐતિહાસિક હોસ્પિટલને આજના મ્યુનિ.ના આવડત અને દુરંદેશી દ્રષ્ટીના અભાવવાળા અધિકારીઓ અને વર્તમાન શાસકોએ હવે માત્ર તાળુ મારવાનુ બાકી રાખ્યુ છે.

  અમે કોઈ સંજોગોમાં જુની વી.એસ.હોસ્પિટલને બંધ નહીં થવા દઈએ એમ કહેનારા મેયર બિજલ પટેલ અને મ્યુ.કમિશનર વિજય નહેરાની નિયત પર અમદાવાદના લોકો શંકાની નજરે જુએ છે.25 ફેબુ્રઆરી-2020ના દિવસે જુની વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા બેતાલીસ કર્મચારીઓની અન્યત્ર બદલી કરી દેવાઈ છે.

  2012થી હોસ્પિટલ બંધ કરવાનો કારસો રચાયો હતો

  આ પણ વાંચો:-  ગુજરાતમાં આજથી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

  મ્યુનિ.માં વર્ષ-2005થી ભાજપ સત્તાસ્થાને છે.વર્ષ-2012થી જ જુની વી.એસ.હોસ્પિટલ કેમ કરીને ઝડપથી બંધ થાય એ માટેના પ્રયાસો શાસકપક્ષે શરૂ કરી દીધા હતા.જે પ્રમાણે દાતાઓ અને મ્યુનિ.વચ્ચે નકકી થયુ હતુ એ પ્રમાણે ચાર સભ્યો દાતા પરીવારના અને ચાર મ્યુનિ.ના વી.એસ.બોર્ડમાં રાખવાના હતા.ઉપરાંત જયકૃષ્ણ હરીવલ્લભદાસે કરેલા પ્રયાસોના પરીણામે એક વિપક્ષના સભ્યને પણ બોર્ડમાં સ્થાન અપાયુ હતુ.આ વિપક્ષના સભ્યને ભાજપે વર્ષ-2012થી દુર કરી દીધા હતા.

  કોની-કોની બદલી કરવામાં આવી?

  જુની વી.એસ.હોસ્પિટલમાં હાલ ફરજ બજાવતા સ્ટાફ પૈકી ત્રણ મેતર,છ સહાયક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને તેત્રીસ વોર્ડબોય એમ કુલ મળીને બેતાલીસ કર્મીઓને ચેપી રોગની હોસ્પિટલ, રખિયાલ, સરખેજ, ચાંદખેડા, વટવા, ગોમતીપુર, વાસણા, દાણીલીમડા, બહેરામપુરા તેમજ મ્યુનિ. કંપાઉડમાં આવેલા દવાખાના,મોબાઈલ મેડીકલ વાન, મધ્યઝોન અને પશ્ચિમ ઝોનના સામુહીક આરોગ્ય કેન્દ્રમાં જીડીએસટી નંબર-એક-3853-25-2-2020થી બદલી કરી નવી જગ્યાએ ફરજ બજાવવા હેલ્થ ઓફીસરની સહીથી ઓર્ડર કરાયો છે. અગાઉ વી.એસ.ના પંચાવન ડોકટરોની એસ.વી.પી. હોસ્પિટલમાં બદલી કરાઈ છે.

  આ પણ વાંચો:-  સોમવારથી ધોરણ 9થી 11નાં બાળકોને ઓડ-ઇવન પદ્ધતિથી ભણવું પડશે

  કઈ હોસ્પિટલમાં કેટલો ચાર્જ?

  જુની વી.એસ.હોસ્પિટલ અને રૂપિયા 700 કરોડના ખર્ચે કાર્યરત થયેલી એસ.વી.પી.હોસ્પિટલમાં લેવાતા ચાર્જની એક ઝલક જોઈએ તો પણ ખ્યાલ આવી શકે કે,મલ્ટી સ્પેશીયલના નામે દર્દીઓનુ નહીં પણ તબીબોનુ કલ્યાણ કરવાનો તંત્ર અને શાસકોનો અભિગમ છે.જુની વી.એસ.હોસ્પિટલમાં ઓ.પી.ડી.માં માત્ર દસ રૂપિયા હતા.એસ.વી.પી.માં એક વખતના સો રૂપિયા.પચાસ રૂપિયા રજીસ્ટ્રેશન અને પચાસ રૂપિયા કન્સલ્ટીંગ ચાર્જ.બીજા અઠવાડીયે દર્દી જાય તો ફરી પચાસ રૂપિયા આપવાના.

  કોંગ્રેસે ભાજપ સાથે સેટિંગ કરી લીધુ?

  700 કરોડની એસ.વી.પી.હોસ્પિટલ આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનરના હવાલે સોંપી દેવાઈ છે. હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી પોપડા ખરવાથી લઈને મા-કાર્ડ નહીં સ્વીકારવા મામલે રાજય સરકારે નોટીસ આપી છે.પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં દર્દીની સર્જરી ન થઈ હોય છતાં પૈસા કાપી લેવા જેવા છબરડા બહાર આવ્યા છે. બાઉન્સરો દર્દીના સગાઓને અંદર જતા રોકે છે. આ તમામ પરિસ્થિતિમાં જુની વી.એસ.હોસ્પિટલ બચાવવાનો ઝંડો હાથમાં લઈ નીકળેલા કોંગ્રેસના દીનેશ શર્મા,બદરૂદીન શેખ,ઈમરાન ખેડાવાલા જેવા નેતાઓએ પાછલે બારણે ભાજપ સાથે સેટીંગ કરી લીધુ હોવાની લોકોમાં ચર્ચાઓ ચાલે છે.