લગભગ બે મહિનાથી ઘરમાં કેદ યુગલોની સેક્સલાઇફમાં ખાસ્સો બદલાવ આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે અત્યાર સુધી એકબીજાને સમય ન આપી શકનારાં યંગ કપલ્સ સહવાસને ભરપૂર માણી રહ્યાં છે તો બીજી તરફ સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી અને ફાઇનૅન્શિયલ પ્રેશરના લીધે સેક્સ્યુઅલ પર્ફોર્મન્સને અસર થઈ હોય એવાં દંપતીની સંખ્યામાં પણ વધારો થયો છે. જીવનના દરેક પાસા વિશે લોકો ખૂલીને વાત કરશે, પણ અંગત જીવનને લઈને ઊભી થયેલી સમસ્યાઓ અને ઉપાયો વિશે બહુ ઓછી ચર્ચા થઈ રહી છે ત્યારે એક્સપર્ટ્સ પાસેથી જાણીશું એવા સવાલોના જવાબ જે છે તો અનેકોના મનમાં પણ જાહેરમાં પુછાતા નથી

- Advertisement -

કોરોના પર કાબૂ મેળવવા લાદવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે પતિ-પત્નીને સારોએવો ક્વૉલિટી ટાઇમ સાથે સ્પેન્ડ કરવા મળી રહ્યો છે. પરિણામે તેમની સેક્સલાઇફમાં ખાસ્સો બદલાવ આવ્યો છે. થોડા દિવસ પહેલાં વિદેશના એક અખબારમાં પ્રગટ થયેલા ટૂંકા સમાચાર અનુસાર લૉકડાઉનમાં માસ્ક ઉપરાંત સૌથી વધુ વેચાણ કૉન્ડોમનું થઈ રહ્યું છે. ભારતમાં સેક્સ વિશે લોકો ખૂલીને વાત કરતા નથી, પરંતુ આવતા નવ મહિના બાદ આપણા દેશમાં વસ્તીવધારો થશે અને મૅટરનિટી હોમ્સ હાઉસફુલ હશે એવું સોશ્યલ મીડિયા પર થઈ રહેલું ટીખળ યંગ યુગલોની સેક્સલાઇફમાં સુધારો થયો હોવાનો સંકેત આપે છે.

થોડા દિવસ પહેલાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઘરમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે એવી તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. એકબીજાની ખૂબ જ નજીક હોય એવી આ રોમૅન્ટિક તસવીર ઘણુંબધું કહી જાય છે. જોકે આવાં કપલોની સંખ્યા ઘણી ઓછી છે એવું એક સર્વેમાં સામે આવ્યું છે. ભારતની એક ન્યુઝ ચૅનલ દ્વારા જુદી-જુદી ઉંમરનાં અંદાજે દસ હજાર દંપતીઓને આ અંગે પૂછવામાં આવતાં ૨૪ ટકા દંપતીઓએ લૉકડાઉનના લીધે તેમની સેક્સલાઇફ પર સકારાત્મક અસર થઈ હોવાનું સ્વીકાર્યું હતું. ૨૭ ટકા લોકોએ કોઈ બદલાવ આવ્યો ન હોવાનું તેમ જ ૪૯ ટકા દંપતીઓએ નકારાત્મક અસર થઈ હોવાનું જણાવ્યું હતું. ખરેખર, યુગલો માટે લૉકડાઉન વરદાન સાબિત થયું છે? ઘરમાં કેદ દંપતીઓ વચ્ચે આત્મીયતા વધી છે કે પછી સેક્સમાંથી રસ ઊડી ગયો છે?

યંગ કપલ્સ ખુશ

ડૉક્ટરોના ગ્રુપ વેબિનાર કન્સલ્ટેશનમાં અત્યારે બે પ્રકારના લોકો ટચમાં આવ્યા છે. એક એવાં કપલ જેમને પહેલી વાર અંગત ક્ષણોને માણવાનો આટલો લાંબો સમય મળ્યો છે. બીજાં એવાં છે જેઓ ઍન્ગ્ઝાયટી અને સ્ટ્રેસ અનુભવી રહ્યાં છે. વર્કિંગ કપલ અત્યારે તેમના જીવનનો શ્રેષ્ઠ સમય વિતાવી રહ્યાં છે એમ જણાવતાં ઘાટકોપર, વર્સોવા અને અંધેરીમાં ક્લિનિક ધરાવતા સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘મુંબઈની લાઇફમાં ભાગ્યે જ એવાં વર્કિંગ કપલ હશે જેમણે સળંગ સાત દિવસથી વધુ સમયનો સહવાસ માણ્યો હોય. અત્યારે તેઓ સાથે ઊઠે છે, એક્સરસાઇઝ કરે છે, મળીને બ્રેકફાસ્ટ બનાવે છે, ગેમ્સ રમે છે, મૂવી જુએ છે અને સેક્સ માણે છે. તેમની સેક્સ્યુઅલ લાઇફ ઇમ્પ્રૂવ થઈ છે એમ કહી શકાય. જોકે આવાં યુગલોની સંખ્યા ૨૦ ટકા જેટલી માંડ હશે. મોટા ભાગનાં દંપતીઓ (કોઈ પણ એજ ગ્રુપનાં) સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન અને ઍન્ગ્ઝાયટીનો ભોગ બન્યાં છે.’

આ પણ વાંચો:-  ભાવનગરમાં 45 વર્ષની મહિલાનું કોરોનામાં મોત, રાજકોટમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા

રિયલ લાઇફમાં હમ તુમ એક કમરે મેં બંદ હો જેવી સિચુએશન યુવાન દંપતીઓ માટે ખુશીની પળો લઈને આવી છે એમ જણાવતાં નાણાવટી સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ઇન સેક્સ્યુઅલ મેડિસિન એક્સપર્ટ ડૉ. રાજ બ્રહ્મભટ્ટ કહે છે, ‘ન ભૂતો ન ભવિષ્યતિ, આ સમય પહેલાં ક્યારેય આવ્યો નથી અને હવે પછી આવવાનો નથી. સામાન્ય રીતે વર્કિંગ કપલ સહવાસ માણવા માટેનો અનુકૂળ સમય શોધતાં હોય છે. અગાઉના જમાનામાં જમ્યા પછી બેડરૂમમાં જવું એટલે સહવાસ માણવા સિવાય કોઈ કામ રહેતું નહીં. હવે બે કલાકના ટ્રાવેલિંગ બાદ થાક્યાંપાક્યાં ઘરે આવતાં કપલ્સ ડિનર બાદ બેડરૂમમાં ગયા પછી પણ મોબાઇલ અને લૅપટૉપમાં બિઝી થઈ જાય છે. આવાં દંપતીઓ અત્યારે સેક્સ્યુઅલ લાઇફ એન્જૉય કરી રહ્યાં છે. જોકે એની સાઇડ ઇફેક્ટ પણ થઈ છે. એકાંત મળતાં યંગ કપલ્સમાં પૉર્ન ફિલ્મો જોવાનું ચલણ વધ્યું છે. આ ફિલ્મોમાં જે બતાવવામાં આવે છે વાસ્તવમાં સેકસલાઇફ એવી હોતી નથી. અનેક કપલો આ બાબતને સમજી શકતાં નથી. તેમના મનમાં પાર્ટનરના પર્ફોર્મન્સને લઈને શંકા-કુશંકાઓ ઉદ્ભવે છે. એમાંથી વર્બલ અબ્યુઝ સ્ટાર્ટ થાય છે. પૉર્ન ફિલ્મોનું ઍડિક્શન તેમની લાઇફમાં સમસ્યા ઊભી કરે છે.’

ઍૅન્ગ્ઝાયટી અને સ્ટ્રેસ

હાલના સિનારિયોમાં જે સમસ્યા સામે આવી છે એમાં ત્રણ પ્રકારનાં દંપતીઓ જોવા મળ્યાં છે. આ સંદર્ભે માહિતી આપતાં ડૉ. રાજ બ્રહ્મભટ્ટ કહે છે, ‘આહાર, નિદ્રા અને મૈથુન. આ ત્રણ માનવ જીવનની મુખ્ય જરૂરિયાત છે. એમાં મૈથુન છેલ્લે આવે છે. યુવાન, મિડલ એજ ગ્રુપ અને પચાસ વર્ષ વટાવી ગયાં હોય એવાં દંપતીઓની પ્રાથમિકતા અને સમસ્યા જુદી-જુદી છે. યુવાનોની સમસ્યા વિશે આપણે ઉપર વાત કરી એમ પૉર્ન ફિલ્મોનો રોલ છે. મિડલ એજનાં કપલ્સ અત્યારે સ્ટ્રેસ ફીલ કરી રહ્યાં છે. સંતાનોની સ્કૂલ-ફી ભરવાનાં અને જીવવાનાં ફાંફાં હોય એમાં સેક્સના વિચારો ક્યાંથી આવે? પ્રૌઢ દંપતીઓ પોતે કેટલાક રોગોથી પીડાતા હોવાથી અત્યારે સહવાસ માણતાં ડરે છે.’

આ પણ વાંચો:-  આ રીતે 5 મિનિટમાં લઇ શકો છો સંભોગની ભરપૂર મજા, જાણી લો કઈ રીતે ?

હોમ લોન અને નવી કારના ઈએમઆઇ તેમ જ સંતાનોના એજ્યુકેશનનું સ્ટ્રેસ ટૉપ પર છે એમ જણાવતાં ડૉ. શ્યામ કહે છે, ‘લૉકડાઉનના લીધે અનેક લોકોની જૉબ ગઈ છે, સૅલરી ટાઇમ પર નથી મળી રહી અથવા કટ ઑફ થયું છે. આર્થિક તંગીના લીધે સ્ટ્રેસ અનુભવતાં દંપતીઓ શારીરિક સહવાસ માણી શકતાં નથી. ઘરમાં રહેવાથી ફિઝિકલ ઍક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. સ્લીપિંગ પૅટર્ન ચેન્જ થઈ છે. આ બધાની અસર સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ પર પડે છે. ઘણાં કપલ પ્રશ્ન પૂછે છે કે પહેલાં અમે એન્જૉય કરતાં હતાં, હવે આવું કેમ થાય છે? ઍક્ટિવ પાર્ટનર (પુરુષ) વિચારે છે કે કોઈ રોગ નથી, ઇરેક્શનમાં અત્યાર સુધી કોઈ પ્રૉબ્લેમ નહોતો તો હવે આમ કેમ થાય છે? ઍન્ગ્ઝાયટી અને પ્રેશરના લીધે અંગત જીવન પર અસર થઈ હોવાનું સામે આવ્યું છે.’

સમસ્યાનું નિવારણ

સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે વર્તમાન પરિસ્થિતિમાં તમે કંઈ કરી શકો એમ નથી. ડૉ. શ્યામ કહે છે, ‘તમે ઍરપોર્ટ પર પ્લેનની રાહ જોઈ રહ્યા હો અને અનાઉન્સમેન્ટ થાય કે ફ્લાઇટ બે કલાક મોડી છે ત્યારે તમે ઝઘડો નથી કરતા. એવી જ રીતે કરન્ટ સિચુએશન તમારા કન્ટ્રોલમાં નથી. એના વિશે વિચારવાનું છોડી દો. તમારી પોતાની ફિઝિકલ, મેન્ટલ અને સેક્સ્યુઅલ હેલ્થ પર ફોકસ રાખો. ફિઝિકલ હેલ્થમાં સૌથી પહેલાં લૉકડાઉન પહેલાં તમારી જે સાઇકલ હતી એને જ અનુસરો. અત્યારના માહોલમાં સૂવાની પૅટર્નમાં થોડો ફેરફાર થવાનો છે, પરંતુ રૂટીનમાં આવવાની કોશિશ કરો. હળદરવાળું દૂધ અને લીંબુપાણી પીવાનું રાખો. ઇમ્યુનિટી વધારવા ડાયટમાં આયર્ન અને વિટામિન ‘સી’નું પ્રમાણ વધારો. પરિવારના સભ્યો અને વડીલો સામે ચિંતા વ્યક્ત કરવાથી ઇમોશનલ સપોર્ટ મળશે અને સ્ટ્રેસ ઓછું થશે. મેન્ટલ હેલ્થ માટે કમ્યુનિકેશન અને મેડિટેશન બેસ્ટ છે. ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ સારી રહેશે તો સેક્સ્યુઅલ હેલ્થ ઑટોમેટિકલી ઇમ્પ્રૂવ થશે. તેમ છતાં ભય સતાવતો હોય તો ડૉક્ટરનો સંપર્ક કરો. ડૉક્ટર તમને માઇલ્ડ દવા લખી આપશે. યાદ રાખો, અત્યારે તમે જે સમસ્યા ભોગવી રહ્યા છો એ ટેમ્પરરી છે. તમારામાં કોઈ ખામી નથી.’

આ પણ વાંચો:-  GTUની ઓનલાઈન પરીક્ષાનું રિઝલ્ટ ઓગસ્ટના ત્રીજા સપ્તાહે જાહેર થશે

સેક્સની વ્યાખ્યાને જરા જુદી રીતે સમજાવતાં ડૉ. રાજ  બ્રહ્મભટ્ટ કહે છે, ‘સેક્સનો સીધો સંબંધ સંતુષ્ટિ સાથે છે. જીવનના દરેક તબક્કે સંતોષની પરિભાષા બદલાય છે. રીપ્રોડક્શન, રેક્રીએશન અને રિલેશનશિપ આ ત્રણમાં અંગત જીવનનું સુખ સમાયેલું છે. યુવાનીમાં શરીરના મિલનથી સંતુષ્ટિ મળે છે તો મિડલ એજમાં સ્પર્શ માત્રથી સંતોષ થાય છે. પ્રૌઢાવસ્થામાં એકબીજાની કૅર કરવામાં સંતોષ મળતો હોય છે. યુવાનોએ ઍડિક્શનથી દૂર રહેવું. પાર્ટનરની લાઇક્સ અને ડિસલાઇક્સને રિસ્પેક્ટ કરવાથી પર્ફોર્મન્સ વિશેની શંકાઓ મગજમાં નહીં આવે. મિડલ એજનાં દંપતીઓએ સાથે બેસી જૂનાં આલબમો જોવાં, રસોઈ બનાવવી, ઘરનાં કામ કરવાં. આ બધું કરતી વખતે સ્પર્શનો અહેસાસ થશે જે તમને સ્ટ્રેસથી દૂર રાખવામાં અને આવનારા પડકારોને હૅન્ડલ કરવામાં સહાય કરશે. લૉકડાઉનનો સમય તમારી લાઇફને રીક્રીએટ કરવાનો છે. મોટી ઉંમરનાં દંપતીઓએ હાલમાં એકબીજાની હેલ્થની શક્ય એટલી કૅર લેવી. એનાથી તેમની પર્સનલ રિલેશનશિપ મજબૂત બનશે.’

વર્તમાન માહોલમાં દરેક વયનાં યુગલોના અંગત જીવનમાં પરિવર્તન આવ્યું છે. સેક્સ એટલે સંતુષ્ટિ અને સંતોષ ત્યારે થાય જ્યારે રીપ્રોડક્શન, રેક્રીએશન અને રિલેશનશિપને ફોકસમાં રાખવામાં આવે. યંગ કપલ્સે પાટર્નરના પર્ફોર્મન્સ વિશે શંકા ન કરવી. મિડલ એજનાં કપલે સ્પર્શના માધ્યમથી અંગત ક્ષણોને માણવાનો પ્રયાસ કરવો તેમ જ પ્રૌઢ દંપતીઓએ એકબીજાની હેલ્થની કૅર લઈ રિલેશનશિપને વધુ મજબૂત બનાવવી

– ડૉ. રાજ બ્રહ્મભટ્ટ, સેક્સ્યુઅલ મેડિસિન કન્સલ્ટન્ટ

એકબીજાને સમય આપી ન શકતાં વર્કિંગ કપલ અત્યારે પોતાના જીવનનો શ્રેષ્ઠ સમય વિતાવી રહ્યાં છે તો બીજી તરફ સ્ટ્રેસ, ફાઇનૅન્શિયલ ફ્ર્સ્ટ્રેશન અને ઍન્ગ્ઝાયટી સામે ઝઝૂમી રહેલાં અનેક યુગલોની સેક્સ્યુઅલ લાઇફ પર નકારાત્મક અસર થઈ છે. બહારની પરિસ્થિતિ તમારા કન્ટ્રોલમાં ન હોય ત્યારે એના વિશે વિચારવા કરતાં દરેક કપલે પોતાની ફિઝિકલ, મેન્ટલ અને સેક્સ્યુઅલ હેલ્થ પર ફોકસ રાખવું જોઈએ

– ડૉ. શ્યામ મિથિયા, સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ

સૌજન્ય: મિડ ડે