રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સોમવારે અમદાવાદ સહિત રાજ્યના 150થી વધુ જિલ્લા શિક્ષણાધિકારીઓ, શાસનાધિકારીઓ અને અન્ય અધિકારીઓ સાથે લગભગ બે કલાક વીડિયો કોન્ફરન્સ યોજીને લોકડાઉનમાં વિદ્યાર્થીઓની સ્ટડી ફ્રોમ હોમની યોજનાને 100 ટકા સફળતા તરફ દોરી જવાનો અનુરોધ કર્યો હતો એ સાથે ધોરણ દશ અને બારમાના વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી ઝડપથી પૂરી કરવા આદેશ આપ્યો હતો.
જો કે આ વીડિયો કોન્ફરન્સ દ્વારા શિક્ષણમંત્રી ચૂડાસમા કોરોનાની વધતી જતી સંક્રમણ સ્થિતિ અને લોકડાઉનના સંદર્ભમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના હાલના ઉનાળુ વેકેશન કહો કે મે વેકેશન લંબાવવા અંગે કોઈ જાહેરાત કરશે તેવી જિલ્લા શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓની આશા ઠગારી નીવડી હતી એમ તે અંગેના વિવિધ અનુમાનો પણ ખોટા પડયા હતા કેમ કે, શિક્ષણમંત્રીએ આ અંગે એકેય શબ્દ ઉચ્ચાર્યો ન હતો કે, કોઈ સૂચન પણ માંગ્યું ન હતું.
અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો. લગધીરભાઈ દેસાઈનો આ અંગે સંપર્ક સાધતા તેમણે એમ જણાવ્યું કે, હા… મે વેકેશન અંગે કોઈ વાત શિક્ષણમંત્રીએ કરી ન હતી પરંતુ કેટલા વિદ્યાર્થીઓ સ્ટડી ફ્રોમ હોમ કરી રહ્યા છે તેની જાણકારી માગીને લક્ષ્યાંક 100 સિદ્ધ કરવાનો અનુરોધ કર્યો હતો.
પરિવારને માણો એવા શાળાકીય વિદ્યાર્થીલક્ષી ઓનલાઇન કાર્યક્રમને પણ 100 ટકા સફળ બનાવવા અપીલ કરી હતી. શૈક્ષણિક ચાલુ વર્ષના પાઠયપુસ્તકોનું વિતરણ કેટલું થયું તેની પૃચ્છા કરીને કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.