યુદ્ધમ દેહી……

“બહુ થયું હવે, નાના છમકલા થી નહિ ચાલે, ખૂન નો બદલો ખૂન, ખાલી વાતો થી નહિ ચાલે.

યુદ્ધ એજ કલ્યાણ. કયા હિંદુ શાસ્ત્રમાં ફક્ત શાંતિ ની વાત કરી છે એ બતાવો. આપણા બધા જ ધર્મ શાસ્ત્રમાં યુદ્ધ ની જ વાતો છે.

- Advertisement -

આટલા મહાન ધર્મ ને માનનારા હિંદુઓ દિવસે દવસે કેમ સંકુચિત થતાં જઈ રહ્યા છીએ, શું શાંતિ અને કાયરતા વચ્ચે ની ભેદ રેખા ને આપણે ભૂલી ચુક્યા છીએ?
અહિંસાના ના ભોગે અશાંતિ મળતી હોય તો એ સ્વીકાર્ય ખરી? શાંતિ માટે યુદ્ધ કરવું પડે તો એ પણ સ્વીકાર્ય હોવું જ જોઈએ. રોજે વાંચીએ છીએ જોઈએ છીએ સરહદ પર કેટલા જવાન શહીદ થાય છે, યુદ્ધ કરતા કરતા નહિ, પરંતુ દેશ ની સીમા ની રક્ષા કરતા.

ક્યાં સુધી આપણે આમ જ સરહદ પર આપણા જવાનોની કુરબાની આપતા રહીશું?

શું એ જવાનની જીંદગી કિંમતી નથી? ક્યાં સુધી આપણે આમ જ સરહદ પર આપણા જવાનોની કુરબાની આપતા રહીશું? અને ઘર માં આરામથી બેસી પાડોશી દેશ ની નિંદા કરતા રહીશું? આપણો દેશ કઈ શાંતિ ની ઘેલછામાં રોજ આવા સેંકડો જવાનોની કુરબાની આપવાની કાયરતા કરી રહ્યો છે. શું શાંતિની સ્થાપના માટે આવી માનસિકતા યોગ્ય છે? શ્રી કૃષ્ણ એ ધર્મ ની સ્થાપના માટે યુદ્ધ એજ કલ્યાણ એમ કહી યુદ્ધ નહોતું કરાવ્યું? પ્રાચીન ભારતની સીમાનો વિસ્તાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, તિબેટ, ભૂતાન, બાંગ્લાદેશ, બર્મા, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, વિયેતનામ, મલેશિયા, જાવા, સુમાત્ર, માલદીવ અને અન્ય નાના મોટા દેશ સુધી વિસ્તરેલો હતો.

આપણી શાંતિવાદી મનોવૃત્તિ યુદ્ધ નહિ કરવાની માનસિકતા

આજના નકશામાં ભારતનો ભૌગોલિક વિસ્તાર અડધો જ રહેવા પામ્યો છે. કારણ….. આપણી શાંતિવાદી મનોવૃત્તિ યુદ્ધ નહિ કરવાની માનસિકતા. ભગવાન રામનું જીવન ચરિત્ર જો સાચે જ સમજ્યા હોત તો આજે આટલા વર્ષે રામ મંદિર માટે આટલો સંઘર્ષ ના કરવો પડયો હોત. ભગવાન રામે આંતરિક શત્રુ સાથે કોઈ સંવાદ નથી કર્યો.દરેક શત્રુ ને સીધા મોતને ઘાટ ઉતાર્યા છે. રાવણ સાથે સંવાદ જરૂર કર્યો કેમ કે એ પાડોશી દેશ હતો એટલે ત્યાં વાતચીત જરૂરી હતી, રામે રાવણ સાથે પણ યુદ્ધ કરી એને પરાસ્ત કર્યો છે.

નથી લાગતું પાડોશી દેશ સાથે આપણી બહુ વાતચીતો થઇ ગઈ. હવે યુદ્ધ એ જ આખરી ઉપાય. શું યુદ્ધ એ જ વિશ્વનું કલ્યાણ એમ નથી લાગતું? માતા પોતાના પુત્રને જીવનમાં એક વાર મારો કાનો કે મારો કનૈયો એમ કહી ને જરૂર બોલાવે છે. દરેક માતા ઈચ્છે છે કે મારો પુત્ર કૃષ્ણ જેવું જીવન જીવે. પણ કયા કૃષ્ણ જેવું ? ગોપી ઓ ના પ્યારા કૃષ્ણ જેવું ? રાસલીલા રમતા કૃષ્ણ જેવું ? સાચા અર્થ માં તો દરેક માતા એ અર્જુનને મહાભારત જેવા યુદ્ધની પ્રેરણા આપનારા કૃષ્ણ જેવા પુત્રની કામના કરવાની જરૂર છે.

આ પણ વાંચો:-  આઝાદી પર્વ પર આજે વીર સૈનિકો અને દેશ આટલા વર્ષ કેમ ગુલામ રહ્યો?

જેટલા અવતાર થયા તેમાંથી કયા અવતારે શાંતિનો સંદેશ આપ્યો છે તે શોધી બતાવો. દરેક દરેક દેવી દેવતા સંપૂર્ણ પણે શસ્ત્રોથી સજ્જ, શત્રુ પર ભીષણ પ્રહાર કરી તેનો સંપૂર્ણ વિનાશ કરનારા છે. તો આવા દેવી દેવતાની પૂજા આરાધના કરનારા આપણે કોનાથી ભયભીત છીએ? શાંતિની વૃતિ કોણે જગાડી હિંદુઓમાં ? એક વાર દેવી પુરાણ, દુર્ગા સપ્તશતીનો પાઠ કરી જોજો. કેવા યુદ્ધ લડયા છે માતાએ એ સમજજો.

યુદ્ધ એટલે વિનાશ, યુદ્ધ થાય પછી દેશ 20 થી 25 વર્ષ પાછળ જતો રહે. યુદ્ધ થી બંને તરફ ખાલી બરબાદી જ થાય. બંને તરફ નુકસાન થાય. શાંતિ એ જ સાચો ઉપાય આ બધી વ્યર્થ અને સાવ પોકળ વાતો છે. એવી શાંતિ ની કામના ને શું કરવાની જે રોજ તમને અશાંતિ સિવાય કંઈ જ આપી ના શકે. યુદ્ધ બને ત્યાં સુધી ટાળવું જોઈએ પણ શાંતિ ના ભોગે તો નહિ જ. ઘણા લોકોનો વિચાર છે કે મહાભારતનું યુદ્ધ થયું તેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા. વિશ્વ ના શ્રેષ્ઠ યોદ્ધા ઓ કમોતે મર્યા.

શ્રી કૃષ્ણએ ઈચ્છ્યું હોત તો આ ભયાનક યુદ્ધ ટળી શક્યું હોત.

શ્રી કૃષ્ણએ રાજનીતિ અને કપટ કરી કૌરવ પક્ષે લડતા તમામ વીર મહારથી યોદ્ધાઓને મોત ને ઘાટ ઉતાર્યા. શ્રી કૃષ્ણએ ઈચ્છ્યું હોત તો આ ભયાનક યુદ્ધ ટળી શક્યું હોત.
જો મહાભારત નું યુદ્ધ ના થયું હોત તો ભારત આજે બહુ જ સુખી અને સંપન્ન દેશ હોત. પણ ખરેખર વાત આના થી તદ્દન ઉંધી છે. શ્રી કૃષ્ણ જેવા જો પાંચ થી દસ અવતાર છેલ્લા 5000 વર્ષ માં બીજા થયા હોત તો ભારત નો ઈતિહાસ કંઇક અલગ જ હોત. એ મહાભારત જેવા બીજા મહાભારત ના પાંચ દશ યુદ્ધ આપણે લડયા હોત તો ખરેખર ભારત દેશ વિકાસની ચરમ સીમા ઉપર હોત.

આ પણ વાંચો:-  DRDOએ એવી કમાલ કરી કે ભારત આવી ગયું અમેરિકા-ચીન-રશિયાની હરોળમાં

યુદ્ધ થાય અને તેના કારણે જો નુકસાન થતું હોત, વિકાસ અટકી જતો હોત તો તો ભારત દેશ આજે વિશ્વ માં સહુ થી વધુ સંપન્ન અને સુખી દેશ હોત. કારણ ભારત તો મહાભારતના યુદ્ધ સિવાય કોઈ ભીષણ યુદ્ધ લડ્યું જ નથી. ભારત પાકિસ્તાનનું યુદ્ધએ તો નાના છમકલા સમાન જ છે. ઈતિહાસમાં નજર કરશો તો ખ્યાલ આવશે કે જે દેશો એ ભીષણ યુદ્ધ કર્યા છે, તે દેશ આજે સુખી અને મહાતાકાતવરની શ્રેણીમાં આવે છે.

બે વિશ્વ યુદ્ધ અત્યાર સુધીમાં થઇ ચુક્યા છે. જર્મની લગભગ પ્રથમ વિશ્વ યુદ્ધ માં તૂટી ચુક્યું હતું. જાપાન ઉપર અણુબોમ્બ પડયો અને તેના બે મહત્વપૂર્ણ શહેરનો સંપૂર્ણ સફાયો થઇ ગયો હતો. જરા વિચાર કરો પ્રથમ વિશ્વ યુદ્ધ માં આટલી હાની પછી જર્મની બીજા વિશ્વ યુદ્ધ માં જે રીતે લડયું કોઈ વિચારી શકે કે એ આટલું જલદી બેઠું થાય? જર્મની અનેક ગણું શક્તિશાળી બની ને બીજા વિશ્વયુદ્ધ માં લડયું છે. જાપાન આજે એશિયા ખંડમાં એક માત્ર વિકાસશીલ દેશ છે.

મહાભારતના યુદ્ધ માં જે શસ્ત્રો નું વર્ણન છે અદલ તેવાં શસ્ત્રોનો ઉપયોગ બે વિશ્વયુદ્ધ માં કરવામાં આવ્યો છે. યુદ્ધથી વિનાશ જ થાય છે, તો વિશ્વ યુદ્ધ માં ભાગ લેનારા આ દેશો એ વિકાસ કઈ રીતે કર્યો? જો આ દેશો એ યુદ્ધ પ્રથમ યુદ્ધ પછી શાંતિની વ્યર્થ વાતો કરી હોત તો કદાચિત આજે આટલા આગળ ના આવી શક્યા હોત. મહાભારત પછી જે શાંતિવાદ ભારત માં ચાલ્યો, કદાચ એ જ કારણ છે, કે ભારત વિકાસ નથી કરી શક્યું અને આપણું પતન થયું. એ હદે કે સો કરતા પણ વધુ વર્ષ સુધી આપણે ગુલામ રહ્યાં. અહિંસાની વાતોની પાછળ કદાચ આપણી કાયરતા છુપાયેલી છે. યુદ્ધ નહિ કરવાની માનસિકતા પાછળ મરી જવાનો ડર વધુ ભાગ ભજવતો હોય એમ લાગે છે. પણ આપણા યુદ્ધ નહિ કરવાથી યુદ્ધ બંધ થયાં છે? આપણે લડવા નહિ જઈએ એના થી લડાઈ બંધ થઇ છે ખરી?

ના, શાંતિવાદ ની કામના કરવા વાળા આપણે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે યુદ્ધ કરવું જ પડયું છે, કયારેક મોગલો વતી, કયારેક અંગ્રેજો વતી. અને છેલ્લે ગુલામી માં થી મુક્તિ માટે પણ લડવું જ પડયું. ભારતે શાંતિવાદી ઓ ની વાત માની અને આપણું પતન થયું. કૃષ્ણ યુદ્ધવાદી નથી, કોઈ સાથે પક્ષપાત કરવાની વૃતિ નથી, કોઈને દુ:ખ આપવાનો આશય નથી, કૃષ્ણ એ યુદ્ધ રોકવાના દરેક સંભવ પ્રયાસ કર્યા હતા. પણ કૃષ્ણ ધર્મ ની કીમત પર યુદ્ધ નહિ કરવા માટે રાજી નહોતાં. દેશ ના નિર્દોષ લોકો ને નુકશાન ના થાય તે માટે દરેક ઈચ્છે છે કે યુદ્ધ ના થાય, પણ જો યુદ્ધ ના થવાના કારણે લોકો ના જીવન ને નુકશાન થતું હોય તો એનો શું અર્થ? શાંતિ ખંડિત નહિ કરવા માટે યુદ્ધ નો નિર્ણય કરવાની હિંમત કરવાની જરૂર ખરી કે નહિ?

આ પણ વાંચો:-  અમદાવાદમાં કોરોના વિસ્ફોટની આશંકા, ઘણા નીકળ્યાં સંક્રમિત

કૃષ્ણ યુદ્ધવાદી નથી, યુદ્ધથી ભાગનાર પલાયનવાદી પણ નથી. લોક કલ્યાણ માટે વિશ્વ કલ્યાણ માટે જો યુદ્ધ કરવું પડે અને ચાલે એમ ના જ હોય તો પછી આનંદ પૂર્વક યુદ્ધ કરવું એજ ગીતા ઉપદેશ. આ ઉપદેશ ક્યારે ભારત દેશ ની પ્રજા જીવનમાં ઉતારશે? કૃષ્ણની વાત સંપૂર્ણ માનવ જીવનની છે, જો તે સમજ માં આવી જાય તો શાંતિ કે યુદ્ધ બંને ને છોડવાની જરૂર નથી પડવાની. યુદ્ધ માં સંપૂર્ણ રીતે ઉતરનારા દેશ આજે ચંદ્ર અને બીજા ગ્રહો પર યાન ઉતારી શક્યા છે. ચંદ્ર અને મંગળ ઉપર યાન ઉતારવા પાછળની માનસિકતા ત્યાં વસાહત સ્થાપવા માટેની નથી, પરંતુ પૃથ્વી પર આડકતરી રીતે કબજો કરવા માટે ની છે. ચંદ્ર પર યુદ્ધ મિસાઈલ મૂકી પૃથ્વી પર ના કોઈ પણ દેશ ને સીધું નિશાના પર મૂકી શકાય એમ છે? કદાચ ભવિષ્યમાં ચંદ્ર કે મંગળ પર જે દેશ માનવ ને ઉતારી શક્યો તે પૂરી પૃથ્વી પર રાજ કરશે.

અને છેલ્લે- અભિનંદન જયારે પાકિસ્તાની યુદ્ધ વિમાનનો પીછો કરતાં કરતાં દુશ્મન દેશ ની સીમા માં પકડાઈ જાય છે ત્યારે દરેક ભારતવાસી ના મન માં એક જ સવાલ હતો, શું પાકિસ્તાન માંથી અભિનંદન પાછા ભારત આવી શકશે કે યુદ્ધ બંદી બની ને કાયમી પાકિસ્તાન માં રહેશે?

રામ રાજ્ય ની કામના કરવા વાળા મારા ભારત વાસીઓ એ ક્યારે સમજશે કે હનુમાનજી લંકા દહન કરી ને પોતાના દેશ માં પાછા આવી જ જાય લંકા ની એવી કોઈ કેદ નથી જ્યાં હનુમાનજી ને કેદ કરી શકાય.

દિપક પંડ્યા