ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તેને ગ્રે લિસ્ટમાંથી બાકાત કરવાનો અર્થ એ નથી કે આતંકવાદીઓને ફંડિંગ અને મની લોન્ડરિંગ માટે લાયસન્સ આપવામાં આવ્યું છે. તેને ઓક્ટોબર 2022માં FATF ગ્રે લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે તાજેતરમાં ડિજિટલ વૉલેટ દ્વારા ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે તેના પાયા જમીન પર તોડી નાખ્યા હતા. તેથી જ તેણે FATFનું ધ્યાન ટાળીને દાન એકત્રિત કરવા માટે ઈ-વોલેટનો સહારો લીધો. મળતી માહિતી મુજબ, મસૂદ અઝહરના પરિવારના ખાતામાં Easypaisa અને Sadapay જેવા ઈ-વોલેટ દ્વારા પૈસા એકઠા કરવામાં આવી રહ્યા છે.
આમાં આતંકીઓ પોતાના પરિવારનો સહારો લઈ રહ્યા છે. તેઓ મહિલાઓના નામે ખાતા પણ બનાવે છે જેથી એક ખાતામાં વધુ પૈસા ટ્રાન્સફર ન થાય અને આ રીતે તેઓ મોટી રકમ એકઠી કરે છે અને ફરીથી આતંકવાદી કેમ્પો સ્થાપે છે. FATFએ કહ્યું કે આતંકવાદી સંગઠનો પોતાને ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ કહીને ભંડોળ એકત્ર કરી રહ્યાં છે.
FATF પ્રમુખ એલિસા ડી એન્ડા મદ્રાઝોએ કહ્યું કે તેમને પહેલાથી જ ઘણા અહેવાલોમાંથી માહિતી મળી છે કે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઈ-વાલેજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, ગ્રે લિસ્ટમાંથી હટાવ્યા બાદ પણ પાકિસ્તાન વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. પાકિસ્તાન FATFનું સભ્ય નથી પરંતુ એશિયા પેસિફિક ગ્રુપનું સભ્ય છે, તેથી તે ફોલો-અપ પણ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે જો કોઈ દેશને ગ્રે લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવે તો પણ તેને અપરાધિક ગતિવિધિઓથી રક્ષણ મળતું નથી. દુનિયાભરમાં આતંકવાદી ગતિવિધિઓ માટેના ફંડિંગ પર નજર રાખવાનું કામ FATFનું છે.
FATFએ કહ્યું છે કે ઉત્તર કોરિયા, ઈરાન અને મ્યાનમાર હજુ પણ બ્લેકલિસ્ટમાં સામેલ રહેશે. FATFએ કહ્યું કે આ દેશો વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા માટે ખતરો છે. આ દેશો આતંકવાદી ગતિવિધિઓ માટે નાણાકીય લેવડદેવડને રોકવામાં નિષ્ફળ રહ્યા છે. મ્યાનમારને 2022માં બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હતું. ઈરાને પણ FATFના એક્શન પ્લાનનો અમલ કર્યો ન હતો.

