આંધ્રપ્રદેશમાં શુક્રવારે એક ભયાનક અકસ્માત થયો હતો. બેંગલુરુ જતી ખાનગી બસમાં કુર્નૂલ જિલ્લામાં ટુ-વ્હીલર સાથે અથડાયા બાદ આગ લાગી હતી. જેના કારણે 20 લોકોના મોત થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, ટક્કર બાદ મોટરસાઇકલ બસની નીચે થોડી દૂર સુધી ખેંચાતી રહી. દરમિયાન તેની પેટ્રોલની ટાંકીનું ઢાંકણું ખુલી જતાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ બસ ચાલક લોકોની મદદ કરવાને બદલે ત્યાંથી ભાગી ગયો હતો.
અકસ્માત થયો ત્યારે ઘણા મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. સવારે 3 વાગે બસમાં આગ લાગી ત્યારે તેને શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ પણ ન આવ્યો અને તેનું મોત થયું. આગમાં સ્લીપર બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને તેનું માત્ર માળખું જ બચી ગયું હતું. અકસ્માત સમયે બસમાં કેટલાક આઈટી પ્રોફેશનલ્સ પણ મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી એક બેંગલુરુની ટોચની આઈટી ફર્મમાં ઈન્ટરવ્યુ માટે જઈ રહ્યો હતો. કેટલાક મૃતદેહો એટલા સળગી ગયા હતા કે તેમની ઓળખ થઈ શકી ન હતી, જેના કારણે અધિકારીઓને મૃતકોના ડીએનએ નમૂનાઓ એકત્રિત કરવા ફોરેન્સિક ટીમને બોલાવવાની ફરજ પડી હતી.
પોલીસનું કહેવું છે કે ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામેલા લોકોમાં બે બાળકો અને એક મોટરસાઇકલ સવારનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં નવ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત લોકોએ તેઓ ચમત્કારિક રીતે બચી ગયા તે પહેલા તણાવપૂર્ણ ક્ષણોને યાદ કરી. જેમણે પોતાનો જીવ ગુમાવ્યો તે એટલા નસીબદાર ન હતા. મુસાફરોએ સલામત રીતે બહાર નીકળવા માટે બારીના કાચ તોડી નાખ્યા હતા. અકસ્માત સમયે બસમાં 44 મુસાફરો સવાર હતા. કુર્નૂલના પોલીસ અધિક્ષક વિક્રાંત પટેલે જણાવ્યું કે બસના એક ડ્રાઈવરે કહ્યું કે મોટરસાઈકલ રસ્તા પર પડી છે. આ કોઈ અન્ય અકસ્માતને કારણે અથવા પોતે પડી જવાને કારણે થઈ શકે છે. તેમણે કહ્યું કે તે જાણવા માટે તપાસ ચાલી રહી છે.
કુર્નૂલ રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) કોયા પ્રવીણે જણાવ્યું કે અત્યાર સુધી બળી ગયેલી બસમાંથી 19 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મોટરસાયકલ ચાલકનો મૃતદેહ મોર્ચરીમાં છે. પોલીસે જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે બસનો દરવાજો જામ થઈ ગયો અને થોડી જ વારમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ. પોલીસે જણાવ્યું કે બચી ગયેલા મોટાભાગના લોકોની ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પથારી અને પડદા બનાવવામાં ઉપયોગમાં લેવાતી કેટલીક સામગ્રી જ્વલનશીલ હતી, જેના કારણે આગ ભભૂકી ઉઠી અને ઝડપથી ફેલાઈ ગઈ.
ગૃહ પ્રધાન વી. અનીથાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ઘટનાની તપાસ માટે પરિવહન, માર્ગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓની બનેલી સમિતિની રચના કરી છે. તેમણે કહ્યું કે ઘટનાની તપાસ માટે 16 ટીમો બનાવવામાં આવી છે. વાહન પાસે ‘ઓલ ઈન્ડિયા પરમિટ’ અને માન્ય ‘ફિટનેસ સર્ટિફિકેટ’ હતું. રાજ્યના પરિવહન પ્રધાન એમ રામાપ્રસાદ રેડ્ડીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બસમાં વિવિધ રાજ્યોના લોકો હતા, જેમાંથી છ આંધ્રપ્રદેશના હતા.

