ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક શનિવારે ભારત સામેની ત્રીજી વનડે દરમિયાન મોટી ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે. સ્ટાર્ક વનડેમાં 250 વિકેટ હાંસલ કરવાની ખૂબ નજીક છે. જો ફાસ્ટ બોલર સ્ટાર્ક સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ત્રણ વિકેટ લેશે તો તે ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં 250થી વધુ વિકેટ લેનારો ચોથો બોલર બની જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે સિડનીમાં રમાશે.
ઓસ્ટ્રેલિયન ટીમે વનડે સીરીઝની પ્રથમ બે મેચ જીતીને સીરીઝ પણ જીતી લીધી છે, આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા છેલ્લી મેચમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવીને સીરીઝ 3-0થી જીતવા માંગશે. ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ચાલુ શ્રેણીમાં બે મેચમાં ત્રણ વિકેટ ઝડપી છે. સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા તરફથી વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથા ક્રમે છે.
ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનુભવી ગ્લેન મેકગ્રાના નામે છે. તેણે 249 મેચમાં 380 વિકેટ લીધી છે. જ્યારે બ્રેટ લીએ 221 મેચમાં 380 વિકેટ લીધી છે. શેન વોર્ને 193 મેચમાં 291 વિકેટ લીધી છે.
મિચેલ સ્ટાર્કે અત્યાર સુધી પોતાની ODI કારકિર્દીમાં 129 ODI મેચમાં 247 વિકેટ ઝડપી છે. જો તે સિડનીમાં 3 વિકેટ લેવામાં સફળ થાય છે, તો તે ઓસ્ટ્રેલિયા માટે 250 કે તેથી વધુ વનડે વિકેટ લેનારો માત્ર ચોથો બોલર બની જશે. સ્ટાર્કે વનડેમાં 12 વખત ચાર વિકેટ અને નવ વખત પાંચ વિકેટ ઝડપી છે.

