Saturday, August 9, 2025
ગુજરાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે નડાબેટ ખાતે BSFના જવાનો સાથે મુલાકાત કરશે

\"\"

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે નડાબેટ ખાતે BSFના જવાનો સાથે મુલાકાત કરશેસ્થાનિક ગ્રામજનોએ કહ્યું, “વડાપ્રધાન મોદી સાચા હીરો, આપણા બહાદુર જવાનોના સાહસના લીધે અમને કોઈ ડર ન હતો”

(જી.એન.એસ) તા. 23

નડાબેટ,

આજે 24 જુલાઇ 2025ને ગુરુવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી ₹358.37 કરોડ મૂલ્યના વિવિધ વિકાસકાર્યોની ભેટ બનાસકાંઠા જિલ્લાને આપશે. આ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ-મુલાકાત અને નડેશ્વરી માતાના મંદિરે પૂજન-દર્શન પણ કરવાના છે. ઓપરેશન સિંદૂર સમયે રાજ્યની સરહદો પર બીએસએફના જવાનોએ તેમની બહાદુરીથી પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ સમયે સ્થાનિક ગ્રામજનોએ સરકારની ગાઇડલાઇનનો યોગ્ય રીતે પાલન કરીને યુદ્ધ દરમિયાન વ્યૂહાત્મક રણનીતિને અસરકારક બનાવવામાં સહયોગ પૂરો પાડ્યો હતો. ગ્રામજનોએ ભારતના વીર જવાનોની બહાદુરીની પ્રશંશા કરીને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાચા હીરો ગણાવ્યા હતા.

સુઈગામના રહેવાસી વિશાજી રાજપૂતે જણાવ્યું કે પહેલગામ હુમલા બાદ આપણા દેશના યશસ્વી વડાપ્રધાને ઓપરેશન સિંદૂરથી જે  બદલો લીધો તેનાથી પાકિસ્તાનને ખબર પડી ગઇ કે ભારત રાતોરાત પાઠ ભણાવી દે છે, તેનું કંઇ ચાલશે નહીં. આ રીતે મોદી સાહેબ દેશના સાચા હીરો કહેવાય. યુદ્ધ દરમિયાન આપણા જવાનોએ ખૂબ સુંદર કામ કર્યું અને અમને કોઈ પણ પ્રકારનો ભય ન હતો. અમે સરકારની તમામ ગાઇડલાઇન જાળવી અને લોકોમાં જાગરૂકતા લાવવા માટે પણ કામ કર્યું હતું. 

‘જરૂર પડે તો કહેજો, અમે લડવા આવીશું’

આ ગામમાં રહેતા ઇન્દ્રસિંહ વિક્રમસિંહ રાજપૂતે જણાવ્યું કે અમારું ગામ બોર્ડરને અડીને આવેલું ગામ છે. ઓપરેશન સિંદૂર સમયે બીએસએફ, પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા યોગ્ય માર્ગદર્શન મળ્યું હતું. અમે ગાઇડલાઇનનું ચોક્કસ રીતે પાલન કર્યું અને ગામના યુવાનોએ કહ્યું હતું કે અમને કહેજો અમે પણ લડવા આવીશું. અમારી અંદર દેશભક્તિ છે અને કોઈ પણ પ્રકારનો ડર નથી. નાપાક ઇરાદાઓને તો પાડી જ દેવા પડે અને એ આપણા જવાનોએ કરી બતાવ્યું છે.

ગામના અન્ય એક રહેવાસી લખમણભાઇ ચૌધરીએ ઓપરેશન સિંદૂર દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ભારતના વીર જવાનોની કામગીરીની પ્રશંસા કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

‘ઑપરેશન સિંદૂર દરમિયાન ગુજરાત રાજ્યના સિવિલ એડમિનિસ્ટ્રેશને સીમા સુરક્ષા દળોને ઉત્તમ સહયોગ પૂરો પાડ્યો’

BSFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સંતોષ કુમાર જણાવે છે કે, ‘ઓપરેશન સિંદૂર દરમિયાન સીમા સુરક્ષા દળોએ અદ્ભુત સાહસ અને વ્યૂહાત્મક સૂઝબૂઝનું પ્રદર્શન કર્યું. આ દરમિયાન અમે દુશ્મનની દરેક ગતિવિધિ પર ન માત્ર બારીકાઇથી નજર રાખી, પરંતુ ત્વરિત અને અસરકારક કાર્યવાહી દ્વારા સરહદીય વિસ્તારોમાં સંપૂર્ણ સુરક્ષા પણ જાળવી રાખી. અમારા સૈનિકોએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ શિસ્ત અને સમર્પણ સાથે પોતાની ફરજો નિભાવી. ઑપરેશન સિંદૂર દરમિયાન ગુજરાત રાજ્યના સિવિલ એડમિનિસ્ટ્રેશને સીમા સુરક્ષા દળોને ઉત્તમ સહયોગ પૂરો પાડ્યો છે. આ ઉપરાંત, વહીવટી તંત્ર દ્વારા તબીબી સહાય માટે પણ વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેનાથી સીમા સુરક્ષા દળોની ફિલ્ડ તૈયારી અને ગતિશીલતામાં નોંધપાત્ર વધારો થયો.’

તેમણે વધુમાં જણાવ્યું કે ઑપરેશન સિંદૂર દરમિયાન સરહદીય ગામડાઓ અને તેમના સરપંચો તરફથી પણ સીમા સુરક્ષા દળોને સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો, જેનાથી બીએસએફને સ્થાનિક સ્તરે સમન્વય સ્થાપિત કરવામાં ખૂબ મદદ મળી. સીમા સુરક્ષા દળો અને સામાન્ય જનતા વચ્ચે આ વિશ્વાસ અને સહયોગ જ અમારી સૌથી મોટી શક્તિ છે. સીમા સુરક્ષા દળો સદૈવ રાષ્ટ્ર સેવા માટે સમર્પિત રહેશે. જય હિંદ!

ઓપરેશન સિંદૂર બાદ આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બોર્ડર પર ભારતના વીર જવાનો અને બીએસએફના અધિકારીઓ સાથે મુલાકાત કરીને તેમની સાથે સંવાદ કરશે. ઓપરેશન સિંદૂર સમયે કચ્છ બોર્ડર રેન્જ પોલીસ ઉપરાંત બીએસએફ, એરફોર્સ, આર્મી, તેમજ કોસ્ટગાર્ડ સહિતની તમામ સલામતી એજન્સીઓ વચ્ચે સંકલનમાં ઉત્તમ કામગીરી રહી હતી.