
ભારતીય રૂપિયો ૨૦૨૫માં સૌથી નબળા ઉભરતા બજારોના ચલણોમાંનો એક છે. મે માસના અંતિમ વીકમાં રૂપિયામાં ૦.૧૩%નો વધારો થયો હતો. પરંતુ તાઇવાન ડોલર અને બ્રાઝિલિયન રીઅલ જેવા અન્ય ચલણોમાં ઘણો મજબૂત વધારો થયો છે. ચાઇનીઝ રેનમિન્બીએ પણ સારો દેખાવ કર્યો છે, ૨૦૨૫માં તેમાં અત્યાર સુધીમાં ડોલર સામે ૧.૩૪%નો વધારો થયો છે. ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૫માં રૂપિયામાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને ગ્રીનબેક સામે ૮૮ના સ્તરની નજીક ગયો હતો. પરંતુ ટેરિફમાં ૯૦ દિવસના વિરામને કારણે તે ૮૫-૮૬ની રેન્જમાં પાછો ફરવામાં સફળ રહ્યો હતો, આમ છતાં ઉભરતા બજારોના સમકક્ષોની સરખામણીમાં રૂપિયાનું પ્રદર્શન નબળું રહ્યું છે.
વર્ષ ૨૦૨૫માં રૂપિયો ડોલર સામે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે, ત્યારે તે અન્ય મુખ્ય ચલણો સામે ઘણો ખરાબ રહ્યો છે. યુરો સામે તેનું મૂલ્ય ૮.૬%, પાઉન્ડ સામે ૬.૭% અને જાપાનીઝ યેન સામે ૮.૬% ઘટયું છે. ડોલરમાં નબળાઈને કારણે તમામ મુખ્ય ચલણોમાં થયેલા વધારાથી રૂપિયા સાથેના તેમના વિનિમય દરો પર અસર પડી હોય તેવું લાગે છે. રૂપિયાના નબળા પડવાનું મુખ્ય કારણ ૨૦૨૫માં ભારતીય ઇક્વિટી બજારોમાંથી ચોખ્ખો વિદેશી પોર્ટફોલિયો આઉટફ્લો છે. વિદેશી રોકાણકારોએ ૨૦૨૫માં અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટીમાંથી ૧૦ બિલિયન ડોલરથી વધુ રકમ પાછી ખેંચી લીધી છે. ચીન અને બ્રાઝિલ જેવા અન્ય ઉભરતા બજારોમાં આ વર્ષે અત્યાર સુધીમાં તેમનો ચોખ્ખો રોકાણપ્રવાહ જોવા મળ્યો છે.
તુર્કી અને ઇન્ડોનેશિયા જેવા અન્ય ઉભરતા બજારોમાંથી ચોખ્ખો રોકાણપ્રવાહ ભારતમાં નોંધાયેલા રોકાણપ્રવાહ કરતા ઓછો હતો. ૨૦૨૪ માં, મજબૂત થતા યુએસ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ૨.૬૮% ઘટયું હતું. જોકે, બ્રાઝિલિયન રિયલ (-૨૦.૪%) અને મેક્સીકન પેસો (-૧૮.૨૫%) જેવા અન્ય ઉભરતા બજાર ચલણોમાં જોવા મળેલા ભારે ઘટાડાની તુલનામાં રૂપિયાએ પ્રમાણમાં સારો દેખાવ કર્યો હતો. અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, ૨૦૨૦થી ભારતીય રૂપિયામાં એકંદર અસ્થિરતા ત્રણ મુખ્ય પરિબળોને કારણે રહી છે જેમાં અસરકારક આરબીઆઈ હસ્તક્ષેપ, મજબૂત નાણાકીય નીતિ અને મેક્રોઇકોનોમિક સ્થિરતા સામેલ છે.