Saturday, August 9, 2025
ગુજરાત

ભત્રીજીના ફોટો ડિલીટ કરાવવા યુવકના ઘરે ગયેલા કાકાની સગાઈના દિવસે જ હત્યા

ભત્રીજીના ફોટો ડિલીટ કરાવવા યુવકના ઘરે ગયેલા કાકાની સગાઈના દિવસે જ હત્યા
ઓઢવમાં ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપવા ગયેલા કાકાની હત્યા
અમદાવાદ, અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપવા ગયેલા કાકાની ઘાતકી હત્યા કરાઈ હતી. ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ સગા ભાઈઓની ધરપકડ કરી હતી.
ભત્રીજીના સગાઈના દિવસે કાકાની અંતિમ યાત્રા નીકળતા પરિવારમાં માતમ છવાયો હતો. પરિવારે આરોપીઓને સજા મળે તેવી માંગ કરી હતી.
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી જીગ્નેશ પટણી, અરુણ પટણી અને વીકી ઉર્ફે ડોલી પટણીની હત્યાના કેસમાં ઓઢવ પોલીસે ધરપકડ કરી હતી. ૩ ઓગસ્ટના રોજ રાત્રે ૮ઃ૩૦ વાગે ઓઢવના રામનગર ખાતે મૃતક સુનિલ ઉર્ફે ભોપો પટણી અને તેના મિત્રો રવિ પટણી ભત્રીજી રેશમાને હેરાન કરનાર આરોપી જીગ્નેશને ઠપકો આપવા અને તેના મોબાઈલમાંથી ભત્રીજીના ફોટો ડિલીટ કરવા માટે જીગ્નેશના ઘરે પહોંચ્યા હતા. આ સમયે આરોપી જીગ્નેશે ફોટો ડિલીટ નહી કરવા અને મોબાઈલ નહી આપવા તકરાર કરતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
આ ઝઘડાની અદાવત રાખીને જીગ્નેશ અને તેના બન્ને ભાઈઓ અરુણ અને વિક્કીએ સુનિલને પકડી રાખી ઉપરા છાપરી અસંખ્ય છરીના ધા ઝીકીને હત્યા કરી હતી, જ્યારે સુનિલને બચાવવા પડેલા તેના મિત્ર રવિ પટણીને છરી મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી ૩ આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઓઢવના રહેવાસી છે અને ભંગારનો ધંધો કરે છે અને મૃતક સુનિલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આરોપી જીગ્નેશ અને મૃતક સુનિલની ભત્રીજી રેશમા બંને જણા એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. જેથી બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. આ મિત્રતા દરમિયાન જીગ્નેશ અને રેશમાના ફોટો જીગ્નેશ મોબાઈલમાં હતા.
થોડા સમય પહેલા રેશમાની સગાઈ નક્કી થતા આરોપી જીગ્નેશ તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું અને તેના ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપતો હતો. જેને લઈ રેશમાએ પરિવારને જાણ કરતા પરિવારમાં ભત્રીજીની સગાઈ ના તૂટે તે માટે જીગ્નેશની માતા લક્ષ્મીબેનને જાણ કરી હતી. આ ફોટો ડિલીટ કરવા માટે આરોપીઓ મૃતક સુનિલને ઘરે બોલાવ્યો અને ત્યાર બાદ હત્યા કરી દીધી હતી.
ઓઢવ પોલીસે હત્યાના કેસમાં ત્રણે સગા ભાઈઓ જીગ્નેશ ,અરુણ અને વિક્કીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ હત્યાના ઇરાદે સુનિલને ઘરે બોલાવ્યો હતો કે ઝઘડાના ઉશ્કેરાટમાં હત્યા કરી હતી. આ તમામ મુદ્દે પોલીસે આરોપીની તપાસ હાથ ધરી હતી.