
પેટલાદ, પેટલાદ તાલુકાના મોરડ ગામની અછીપુરા સીમમાં આવેલા ખેતરમાં રહેતી અને દેશી દારૂ વેચી જીવન ગુજરાન ચલાવતી ૭૫ વર્ષીય વૃદ્ધાની મંગળવારે સાંજના અરસામાં બે શખ્સોએ લુંટના ઇરાદે હત્યા કરી સોનાની બુટ્ટીઓની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેમના રીમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.
મોરડ ગામની અછીપુરા સીમ વિસ્તારમાં ૪૦ વર્ષીય રામાભાઇ ઉર્ફે ટીકાભાઇ બુધાભાઈ પરમાર પોતાના પત્ની, સંતાન સહિતના પરિવાર સાથે રહે છે અને ડ્રાઇવિંગ કરી જીવન ગુજરાન ચલાવે છે.
રામાભાઇ પરમારના ૭૫ વર્ષીય વિધવા માતા ધુળીબેન બુધાભાઈ મંગળભાઈ પરમાર જે પોતાના પુત્ર રામાભાઈ પરમારથી અલગ ઘરથી થોડે દૂર ખેતરમાં કાચું મકાન બનાવીને રહેતા હતા અને પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે દેશી દારૂ વેચતા હતા. મંગળવારે સાંજના અરસામાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધા ધુળીબેન બુધાભાઈ પરમારની લાશ મળી આવી હતી.
આ બનાવની જાણ થતા જ મહેળાવ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ધુળીબેનના મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે કરમસદ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અને અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન મરણ જનાર ધુળીબેનના ૧૫ વર્ષીય પૌત્ર હરીશભાઈએ પોતાના પિતા રામાભાઇ તેમજ માતાને જણાવ્યું હતું કે, ધુળીદાદી કેવી રીતે મરી ગયા તે હું જાણું છું.
જેથી રામાભાઇ અને તેમના પત્નીએ પુત્ર હરીશને વિશ્વાસમાં લઈને પૂછતા ધુળીબેન છેલ્લા કેટલાક સમયથી ઘરથી થોડે દૂર આવેલા ખેતરમાં એકલા રહેતા હતા અને દેશી દારૂ વેચતા હતા અને તેમને ત્યાં મજૂરી કામ માટે પેટલાદના સિંહોલ ગામનો અમરત ઉર્ફે લોટીયો પ્રભાતભાઈ આવતો હતો. જેથી પોતે તેને ઓળખે છે.
મંગળવારે સાંજના અરસામાં અમરત ઉર્ફે લોટીયો પ્રભાતભાઈ પોતાની સાથે એક શખ્સને લઈને ધુળીબેનના ઘરે આવી ચઢયો હતો. જ્યાં અજાણ્યા શખ્સે પાછળથી ધુળીબેનને બાથમાં લઈને પકડી રાખ્યા હતા જ્યારે અમરત ઉર્ફે લોટીયો ધુળીબેનના કાનમાં પહેરેલી બંને સોનાની બુટ્ટીઓ ખેંચીને તોડતો હતો.
જેથી ધુળીબેન ગભરાઈ ગયા હતા અને હાથ-પગથી ધમપછાડા કરતા હતા. જે દરમ્યાન બંને જણા ધુળીબેનના પૌત્ર હરીશભાઈને જોઈ જતાં જ કાનમાંથી રૂ ૧૦ હજારની કિંમતની બુટ્ટીઓ તોડી ધુળીબેનને જમીન ઉપર પાડી ફેંકી દઈને જતા રહ્યા હતા. જેથી પૌત્ર હરીશ પોતાના દાદી ધુળીબેન પાસે જઈને જોતાં જમીન પર પડી ગયેલા ધુળીબેન ગભરાઈ જવાથી તેમનો શ્વાસ ચાલતો ન હતો અને મરણ ગયા હોવાની વિગતો પૌત્ર હરીશે પોતાના માતા, પિતાને જણાવી હતી.
પોલીસે તરત જ કાર્યવાહી કરી આ બનાવ અંગે ગુનો દાખલ કર્યાે હતો. સિહોલ ગામના જલારામ મંદિર પાસે રહેતાં અમરત ઉર્ફે લોટીયો પ્રભાતભાઈની ધરપકડ કરી હતી અને તેની પાસેથી લુંટમાં ગયેલ સોનાની બુટ્ટી કબ્જે કરી હતી. પોલીસ પુછતાછમાં તેને પૈસાની જરૂર હતી તથા દારૂ પીવો હતો એટલે તેણે આ હત્યા કરી હોવાનું કબુલ કર્યું હતું. પોલીસે તેના સાગરીતને પણ ઝડપી લીધો હતો અને બન્નેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.SS1MS