Saturday, August 9, 2025
ગુજરાત

વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમના કુલ 17.44 લાખ લાભાર્થીઓને 366 કરોડની સહાય અપાઈ

વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમના કુલ 17.44 લાખ લાભાર્થીઓને 366 કરોડની સહાય અપાઈ
રાજ્યના તમામ નાગરિકોને યોજનાકીય લાભ આપવો એ અમારો સંકલ્‍પ: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ કલ્યાણના ૧૮ લાખથી વધુ લાભાર્થીઓને રૂ.૩૯૩.૯૦ કરોડની સહાયનું ઈ-વિતરણ કરાયું
Øઅનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમના કુલ ૧,૪૦,૧૯૧ લાભાર્થીઓને રૂ.૨૭.૮૩ કરોડની શૈક્ષણિક,યોજનાકીય સહાય અને લોનની ચૂકવણી
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ અને અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમોની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને શૈક્ષણિક તેમજ યોજનાકીય સહાય તથા લોનનું ઈ-વિતરણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર ખાતેથી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ૧૮,૮૪,૫૫૧ લાભાર્થીઓને રૂ.૩૯૩.૯૦ કરોડની સહાય આપવામાં આવી છે.
આ પ્રસંગે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે,આજે વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમો દ્વારા કુલ ૧૭,૪૪,૩૬૦ લાભાર્થીઓને રૂ.૩૬૬.૦૭ કરોડની તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમો દ્વારા કુલ ૧,૪૦,૧૯૧ લાભાર્થીઓને રૂ.૨૭.૮૩ કરોડની શૈક્ષણિક તેમજ યોજનાકીય સહાય અને લોનની ચૂકવણી કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,રાજ્યના તમામ નાગરિકોને યોજનાકીય લાભ આપવો એ અમારો સંકલ્‍પ છે. આજના આ ઈ-વિતરણ કાર્યક્રમ થકી પછાત વર્ગના વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ સમાજના જરૂરીયાતમંદ અને આર્થિક રીતે નબળા નાગરિકોને લાભ આપવામાં આવશે. રાજ્યના જરૂરરિયાતમંદ નાગરિકોને યોજનાકીય લાભો સંપૂર્ણ પારદર્શીતાથી મળે તે હેતુથી આ સમગ્ર પ્રક્રીયા ઓનલાઈન કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે,સમાજની મહિલાઓ,બાળકો,વૃદ્ધો,દિવ્યાંગો,ગરીબો અને વંચિતો સર્વેનો સર્વાંગી વિકાસ થાય ત્યારે સમગ્ર સમાજનું કલ્યાણ થશે. આ તમામ નાગરિકોનો સર્વાંગી વિકાસ એ આપણા સૌની સહિયારી જવાબદારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા અમલી પ્રિ મેટ્રીક શિષ્યવૃતિ-ગણવેશ સહાય યોજનામાં ૧૭,૨૮,૨૨૪ વિદ્યાર્થીઓને રૂ.૨૯૧.૯૨ કરોડની શિષ્યવૃતિ,પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં ૪,૦૧૭ લાભાર્થીઓને રૂ.૨૧.૫૬ કરોડની સહાય,કુંવરબાઇનું મામેરૂ યોજનામાં ૧૦,૨૩૯ દિકરીઓને રૂ.૧૨.૨૮ કરોડની સહાય,સાત ફેરા સમુહ લગ્ન યોજનામાં ૩૫૯ લાભાર્થીઓને રૂ. ૮૦ લાખની સહાય તથા વિદેશ અભ્યાસ લોન યોજનામાં ૪૫ વિદ્યાર્થીઓને રૂ.૬.૩૯ કરોડની લોન આપવામાં આવશે.
આ ઉપરાંત વિકસતી જાતિ કલ્યાણ હસ્તકના ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ,ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ,ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ અને ગુજરાત ગોપાલક વિકાસ નિગમની સ્વરોજગારલક્ષી તેમજ શૈક્ષણિક લોન યોજના અંતર્ગત ૧,૪૭૬ લાભાર્થીઓને રૂ.૩૩.૧૨ કરોડની લોન-સહાય ચુકવાઈ છે.
અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા અમલી પ્રિ મેટ્રીક શિષ્યવૃતિ તથા ગણવેશ સહાય યોજનામાં ૧,૩૯,૩૦૭ વિદ્યાર્થીઓને રૂ.૧૮.૯૭ કરોડની શિષ્યવૃતિ,ડૉ.આંબેડકર આવાસ યોજનામાં ૩૫૯ લાભાર્થીઓને રૂ.૧.૭૦ કરોડની સહાય,કુંવરબાઇનું મામેરૂ યોજનામાં ૩૪૫ દિકરીઓને રૂ.૦.૪૧ કરોડની સહાય,વિદેશ અભ્યાસ લોન યોજનામાં ૨૩ વિદ્યાર્થીઓને રૂ.૩.૪૫ કરોડની લોન ચૂકવવામાં આવે છે.