Saturday, August 9, 2025
ગુજરાત

રોકડ રકમની સામે ક્રિપ્ટો કરન્સી આપવાના મુદ્દે બબ્બે જણાનું અપહરણ કરનારા એક વિદ્યાર્થી સહિત 3 શખ્સોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી




\"\"

(જી.એન.એસ) તા. 15

અમદાવાદ,

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં એક યુવક અપહરણ થયું છે તેમ ફરિયાદ મળતા પોલીસ દ્વારા ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં નિવૃત્ત આર્મી અધિકારીના પુત્રનું અપહરણ થયાની જાણ થતાં ક્રાઈમ બ્રાંચની ટીમે આખી રાતની દોડધામ બાદ અપહ્યુતને છોડાવી લીધો છે. રોકડ રકમની સામે ક્રિપ્ટો કરન્સી આપવાના મુદ્દે બબ્બે જણાનું અપહરણ કરનારા એક વિદ્યાર્થી સહિત ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી ફરિયાદ નોંધવા કાર્યવાહી આરંભી છે. આરોપીઓએ અપહરણ કરવા ઉપયોગમાં લીધેલી એક રમકડાંની ગન ક્રાઈમ બ્રાંચે કબજે લીધી છે.

ગાંધીનગર બાલાજી અગોરા મોલની પાછળ રહેતા રહેતા આર્મીના નિવૃત્ત જુનિયર કમીશન્ડ ઑફિસર (JCO) પંકજકુમાર પાંડે્યના પુત્ર પ્રિન્સ (ઉ.27)નું કેટલાંક શખ્સોએ અપહરણ કર્યું હતું. બાપુનગર ફ્લાય ઑવર બ્રિજ નીચે શ્યામ શિખર ટાવર પાસે મોડી રાતે ગયેલા આર્મી અધિકારીના પુત્ર અને અન્ય એક વિકાસ દુબેને કારમાં ત્રણ શખ્સો બળજબરીથી ઉઠાવી ગયા હતા. પૂર્વ અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારમાં ચાલુ કારે અપહરણકારોએ યુવક અને તેના સાથીને ગડદાપાટુ તેમજ હથિયાર વડે માર માર્યો હતો. રૂપિયા 1 લાખ 10 હજારની લેવડદેવડમાં થયેલા અપહરણની જાણકારી મળતા અપહ્યુતના પરિવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ઘટનાની જાણ કરવાની સાથે મદદ માગી હતી.

મધ્ય રાત્રિ બાદ કંટ્રોલ રૂમમાં આવેલા અપહરણના સંદેશાની જાણ થતાં ક્રાઈમ બ્રાંચની ટીમના અધિકારીએ ફોન કરનાર સાથે વાતચીત કરી ઘટનાની ઠોસ માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. સાથે જ અપહ્યુતનો તેમજ અન્ય મોબાઈલ નંબરની માહિતી મેળવી તેના લૉકેશન આધારે અપહરણકારોને પકડવા ક્રાઈમ બ્રાંચની ટીમ સક્રિય થઈ હતી. આખરે ક્રાઈમ બ્રાંચની ટીમે અપહરણકારો સુધી પહોંચી ગઈ હતી અને બંને અપહ્યુતને મુક્ત કરાવ્યા હતા.

ઘરે બેઠાં ઑનલાઈન ધંધો કરતા પ્રિન્સ પાંડે્યે તેના પરિચિત વિકાસ દુબે થકી બાપુનગરના શખ્સો પાસેથી રોકડ રૂપિયા મેળવી USDT આપવાનો સોદો કર્યો હતો. જો કે, પ્રિન્સ પાંડે્ય ક્રિપ્ટો કરન્સી આપતો નહીં હોવાથી વિકાસ દુબેને કહીને પ્રિન્સને ગઈ મોડી રાતે બાપુનગર ફ્લાય ઑવર બ્રિજ નીચે શ્યામ શિખર ટાવર પાસે બોલાવ્યો હતો. પ્રિન્સ પાંડે્ય સ્થળ પર પહોંચતાની સાથે જ તેને અને વિકાસને કરણ નાયર (ઉ.19 રહે. ન્યુ અરવિંદનગર સોસાયટી, બાપુનગર), હર્ષ ઠક્કર (ઉ.21 રહે. ઈન્દ્રજીત સોસાયટી, ઠક્કરનગર) અને ક્રિપાલસિંહ વિહોલે (ઉ.25 રહે. ભક્તિનગર, બાપુનગર) તેને કારમાં બળજબરીપૂર્વક બેસાડી દીધાં હતાં. નંબર પ્લેટ વિનાની કારમાં ત્રણેય શખ્સોએ પ્રિન્સ પાંડે્યને ઉપાડી જઈ 42 લાખની કિંમતના 50 હજાર USDT આપવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત પ્રિન્સ પાંડે્યના મોબાઈલ ફોનમાં રહેલા USDT મેળવી લેવા તેમજ તેનો પાસવર્ડ જાણવા લાકડી અને ગડદાપાટુનો માર માર્યો હતો. માર મારી પ્રિન્સના પરિવાર પાસે રૂપિયા મગાવવા ફોન પણ કરાવ્યો હોવાની વાત સામે આવી છે. આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.