
દિવ્યાંગજનો એ આપણા સમાજનું અભિન્ન અંગ છે
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે દિવ્યાંગજનોને ઈલેક્ટ્રીક અને મેન્યુઅલ ટ્રાય-સાયકલ,વ્હીલચેર,કૅલિપર,સ્માર્ટફોન સહિતની સાધન સહાયનું વિતરણ
દિવ્યાંગજનોના સશક્તિકરણની દિશામાં શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાની પહેલને બિરદાવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
સમગ્ર માનવતજાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતાં રાજ્યપાલશ્રી
આજરોજ ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છના ભચાઉ ખાતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના પરોપકારના કાર્યોને સમાજ માટે ઉદાહરણરૂપ ગણાવીને જણાવ્યું હતું કે,વર્તમાન સમયમાં દિવ્યાંગ બાળકોની સારસંભાળ માતા-પિતા માટે પડકારરૂપ બાબત બની ગઈ છે.

દિવ્યાંગજનો સમાજનું અભિન્ન અંગ હોય સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલી આધુનિક સાધન સામગ્રી તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે. સમાજના દુઃખીજનો પ્રત્યે સેવાભાવના કેળવવા અનુરોધ કરીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,જે મનુષ્યમાં જરૂરિયાતમંદ માટે દયાભાવ પ્રગટ ના થાય તે મનુષ્ય પથ્થર સમાન છે. મનુષ્ય અવતારમાં પરોપકાર અને સતકાર્યો કરીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા રાજ્યપાલશ્રીએ આહવાન કરી ધરતી પર તમામ જીવો માટે કલ્યાણની ભાવના રાખવા જણાવ્યું હતું.
પ્રાચીન ભારતની વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે,સમય અને પરિસ્થિતિના કારણે દિવ્યાંગ બનેલા માનવીઓનું કલ્યાણ કરવું એ આપણું કર્તવ્ય છે. અંગો વગરનું જીવન ખૂબ મુશ્કેલ બની જાય છે. સ્વસ્થ શરીર ધરાવતા નાગરિકોએ હંમેશા ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞ રહેવું જોઈએ. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા કાર્યોને રાજ્યપાલશ્રીએ અંતરમનથી બિરદાવ્યા હતા.
તેઓએ જણાવ્યું કે,દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના આ પ્રયાસોથી તેમનામાં એક નવો ઉત્સાહ પેદા થશે,તેઓ માનસિક રીતે મજબૂત બનશે અને બીજા નાગરિકોની જેમ જ સક્ષમ થશે. દિવ્યાંગજનોને મુખ્યધારામાં લાવવા એ આપણા સૌનું સામાજિક દાયિત્વ છે તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું.
પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,આજે પ્રાકૃતિક કૃષિ એ રાષ્ટ્રીય મિશન બની ગયું છે. વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે રૂ. ૨૫૮૧ કરોડની જોગવાઈ કરી છે. આજના સમયમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતાં ઝેરી રસાયણોથી મનુષ્યોમાં જીવલેણ રોગોનું પ્રમાણ વધ્યું છે. યુરીયા-ડી.એ.પીનો ખેતીમાં ઉપયોગથી કેન્સર,હાર્ટ એટેક,ડાયાબિટીસ જેવી બીમારીઓ યુવાનોમાં પ્રવેશી રહી છે. રાજ્યપાલશ્રીએ સમગ્ર માનવતજાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ગુજરાત સરકારના પ્રયાસોની પ્રસંશા કરીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં આજે ૯ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. પ્રાકૃતિક ખેતી આર્થિક રીતે ફાયદાકારક છે તેમ જણાવીને રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીને અપનાવવાથી ઉત્પાદન ઘટે છે તે વાતને ખોટી હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં નાના પાયેથી શરૂ કરીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીની તાલીમમાં સહભાગી થવા,પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેવા રાજ્યપાલશ્રીએ અપીલ કરી હતી.