Saturday, August 9, 2025
ગુજરાત

ગાંધીનગરમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગો સામે ઝુંબેશનો પ્રારંભ: જન આરોગ્યની નવી દિશા

\"\"

(જી.એન.એસ) તા. 7

ગાંધીનગર,

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરજન્ય રોગો સામે એક અભિનવ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો શુભારંભ માનનીય મેયરશ્રીમતી મીરાબેન પટેલના વરદ હસ્તે પોર ગામના તળાવથી કરવામાં આવ્યો હતો, જ્યાં તેમણે પોતે ડ્રોન ઉડાડીને “નમો ડ્રોન દીદી” તરીકે આ નવતર અભિગમની શરૂઆત કરાવી.

આરોગ્ય વિભાગ દ્વારા મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સામે લડવા માટે અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજી અપનાવવામાં આવી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધે છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા નિયમિતપણે મચ્છર ઉત્પત્તિ સ્થાનો દૂર કરવામાં આવે છે અને દવાનો છંટકાવ કરવામાં આવે છે, પરંતુ મોટા તળાવો, ઊંચી ઇમારતોની છત, સુએજ કેનાલ, ખુલ્લી ગટર (ઓપન ડ્રેનેજ), કન્સ્ટ્રક્શન સાઇટ્સ, રોડની ઓફસાઇડિંગ, ખુલ્લી પાણીની ટાંકીઓ, ગંદા પાણીના સ્ત્રોત, ખાડીઓ અને જળકુંભીથી ભરાયેલી જગ્યાઓ જેવા દુર્ગમ વિસ્તારોમાં જ્યાં માણસ દ્વારા પહોંચવું શક્ય નથી, ત્યાં આ કામગીરી મુશ્કેલ બને છે.

\"\"

આ પડકારનો સામનો કરવા માટે, હવે ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધવા અને દવાનો છંટકાવ કરવાનો કાર્યક્રમ શરૂ કરાયો છે. આ શુભારંભ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી સંકેત પંચાસરા , નાયબ મ્યુ. કમિશનરશ્રી જે.એમ.ભોરણીયા, તેમજ અન્ય કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ નવી પહેલ અંતર્ગત, ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહાનગરપાલિકા વિસ્તારમાં સર્વે કરવામાં આવશે અને સૌપ્રથમ AI/ML (આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ/મશીન લર્નિંગ) આધારિત ડ્રોન દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધી કાઢવામાં આવશે. ત્યારબાદ, આ સ્થળોને ગૂગલ મેપ પર અક્ષાંશ-રેખાંશ (લેટીટ્યુડ-લોન્ગીટ્યુડ) સાથે ફોટોગ્રાફ્સ દ્વારા લોકેટ કરવામાં આવશે. આ વિગતવાર માહિતી એક ડિજિટલ પ્લેટફોર્મ પર ઓનલાઈન ઉપલબ્ધ થશે.

આ માહિતીના આધારે, સાઈટની સફાઈ, ખુલ્લા પાત્રોનો નિકાલ અથવા લાર્વીસાઈડનો છંટકાવ જેવી આવશ્યક કામગીરી માટે ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને સ્વયંચાલિત રીતે કાર્ય સોંપવામાં આવશે. તેમની દ્વારા કરાયેલી કામગીરીનું ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ મોનિટરિંગ પણ શક્ય બનશે, જે વિભાગ માટે અત્યંત મદદરૂપ થશે. જ્યાં ગ્રાઉન્ડ ટીમ દ્વારા છંટકાવ શક્ય નહીં હોય, તેવા વિસ્તારોમાં મોટા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે.

આ નવતર અભિગમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2030 સુધીમાં ભારતને ડ્રોન હબ બનાવવાના દૂરંદેશી દ્રષ્ટિકોણને અનુરૂપ છે. તે સરકારના મેલેરિયા નાબૂદી મિશન 2030 તેમજ અન્ય વાહકજન્ય રોગોને નિયંત્રિત કરવાના પ્રયત્નોને નોંધપાત્ર ગતિ આપશે. આ અનોખી પહેલ આરોગ્ય વિભાગના રોગ નિયંત્રણના પ્રયાસોને મજબૂત બનાવશે અને ગાંધીનગરને મચ્છરજન્ય રોગો મુક્ત બનાવવામાં અત્યંત મદદરૂપ થશે.