
રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!-ગુજરાતના ૧૫૦થી વધુ સ્વ-સહાય જૂથની ૧૫,૦૦૦થી વધુ બહેનોએ રાખડી બનાવીને આવકનો નવો સ્ત્રોત ઊભો કર્યો
Øગાંધીનગર જિલ્લાના જય ગજાનંદ મિશન મંગલમ સખીમંડળની પ્રત્યેક બહેનોએ ફુરસતના સમયમાં રાખડી બનાવીને વાર્ષિક રૂ. ૭૨,૦૦૦ની આવક મેળવી
Øનવસારી જિલ્લાના રામદેવપીર સખીમંડળને રાખડીના વેચાણ માટે “વન સ્ટેશન,વન પ્રોડક્ટ” અંતર્ગત નવસારી રેલવે સ્ટેશન ખાતે સ્ટોલ ફાળવવામાં આવ્યો
Øરાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં રાખી મેળાનું આયોજન કરીને સખીમંડળની બહેનોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું
Øસખીમંડળ દ્વારા સ્થાનિક વસ્તુઓથી બનાવવામાં આવેલી ઇકોફ્રેન્ડલી રાખડીઓનું ધૂમ વેચાણ થયું

ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર શ્રાવણને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમને ઉજવવાનો તહેવાર,રક્ષાબંધન પણ આ પવિત્ર મહિના દરમિયાન જ આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે,રાખડી બાંધીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ગુજરાતમાં રક્ષાબંધનનો તહેવાર સ્વ-સહાય જૂથની અનેક બહેનોના આત્મનિર્ભરતા અને સશક્તિકરણની ગાથા બની રહ્યો છે. રાજ્ય સરકારના પ્રોત્સાહનથી રક્ષાબંધન નિમિત્તે રાજ્યના અનેક સ્વ-સહાય જૂથની બહેનો અવનવી ડીઝાઇનની રાખડીઓ બનાવીને અને તેનું વેચાણ કરીને આત્મનિર્ભર બની રહી છે.
માત્ર હાથથી બનાવેલી રાખડી જ નહિ,પરંતુ રક્ષાબંધન તહેવારને અનુરૂપ ગિફ્ટ હેમ્પર્સ પણ બનાવે છે. જેમાં આ બહેનો રાખડી,મીઠાઈ,કંકાવટી,આરતીની સુશોભિત થાળી જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ કરે છે. ગુજરાતભરના ૧૫૦થી વધુ સ્વ-સહાય જૂથની આશરે ૧૫,૦૦૦થી વધુ બહેનો રાખડી અને ગિફ્ટ હેમ્પર્સ બનાવીને તેનું રીટેઈલ અને હોલસેલ વેચાણ કરીને સન્માનજનક આવક મેળવી રહી છે.
આ બહેનો દ્વારા હાથથી બનાવવામાં આવતી આ રાખડીમાં સાડી,કપડાના ટુકડા,માટી,શણ,છાણ જેવી ઇકો ફ્રેન્ડલી ચીજ-વસ્તુઓનો સમાવેશ કરીને તેને સ્થાનિક સ્થાનિક કલાથી શણગારવામાં આવે છે. સ્થાનિક વસ્તુઓથી બનેલી આ રાખડી બજાર ભાવની તુલનાએ સસ્તી અને ભાવનાત્મક રીતે જોડાયેલી હોવાથી તેનું સ્થાનિક બજાર,સરસ મેળા,સ્કૂલો,ઓફિસો અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ધૂમ વેચાણ થઇ રહ્યું છે. આ રાખડીઓ માત્ર સુતરનો તાંતણો નથી,પણ આ બહેનોના સપના,મહેનત અને આશાનું પ્રતીક છે.
રાખડી બનાવતી સ્વ-સહાય જૂથની બહેનોને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં “રાખી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાખી મેળામાં રાખડીઓની સાથે સખી મંડળની બહેનો દ્વારા તહેવાર માટે તૈયાર કરાયેલી મીઠાઈઓ,આરતીની સુશોભીત થાળી,કંકુ અને ચોખા માટે ડેકોરેટિવ કંકાવટી,ફરાળી તેમજ અન્ય નાસ્તાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.