Gujarat Construction Accidents CAG Report: ગુજરાતના મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રના કામદારોના કલ્યાણ અંગેના ભારત સરકારના કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના માર્ચ 2022ના પૂરા થતા વર્ષ માટેના રિપોર્ટ મુજબ સરકારના બાંધકામ ક્ષેત્રના કામદારોના કલ્યાણ બોર્ડે કલ્યાણ ભંડોળનું જ ગઠન કર્યુ ન હતું. આ સિવાય સરકારે જૂન 2011થી સલહાકાર સમિતિનું પણ ગઠન કર્યુ ન હતું. કેગના રિપોર્ટ મુજબ સાઠ વર્ષની ઉંમર પૂરી કરનારા લાભાર્થીને વૃદ્ધાવસ્થા પેન્શન આપવુ બોર્ડનું મુખ્ય કામોનું એક છતાં 2019થી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના સ્થગિત રાખવામા આવી હતી. 2017 થી 2022 સુધીના છ વર્ષમાં રાજ્યમાં જુદી જુદી 280 બાંધકામ સાઇટો પર અકસ્માતની ઘટના બની હતી જ્યારે આ ઘટનાઓમાં 313 કામદારોના મોત થયા હતા.
કેગનો ચોંકાવનારો રિપોર્ટ
કેગના રિપોર્ટ મુજબ, બોર્ડ કે રાજ્ય સરકાર દ્વારા 2017થી 2022 સુધીમાં કુલ 31 કલ્યાણકારી યોજનાઓમાંથી 13 કલ્યાણકારી યોજનાઓ (42 ટકા) બંધ અથવા સ્થગિત કરી દેવાઈ હતી.
સાઠ વર્ષની ઉંમર પૂરી કરનાર લાભાર્થીઓને વૃદ્ધાવસ્થા પેન્શન આપવુ એ બોર્ડના મુખ્ય કામોનું એક છતાં પણ મે 2019થી પેન્શન યોજના સ્થગિત રાખવામા આવી હતી. જ્યારે 2017થી 2022 દરમિયાન શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ રાજ્યના નવ જિલ્લામાં વિસ્તારવામાં આવ્યો હતો. બાકીના 24 જિલ્લામાં યોજના ન હતી. જૂન 2024ના અંત સુધીમાં 19 જિલ્લાઓમાં યોજના વિસ્તારવામા આવી હતી. નોંધાયેલા કામદારોને પોતાનું મકાન લેવા માટે મદદ કરવા બોર્ડની મુખ્ય બે યોજનાઓ છે. જેમાં 2017 થી 2022 દરમિયાન માત્ર 37 લાભાર્થીને જ આવાસ યોજના હેઠળ લાભ મળ્યો હતો. આ ઉપરાંત હાઉસિંગ સબસિડી યોજના હેઠળ કોઈ લાભાર્થીને આવરી લેવામા ન આવ્યા હતા.
સાત મ્યુનિસિપલ કોર્પોરેશને નથી આપ્યો રિપોર્ટ
કેગના તારણો મુજબ કલ્યાણકારી યોજનાઓમાં વધારે પડતા વિલંબથી ફાયદાઓ મંજૂર કરવા તેમજ અરજીઓનો અન્યાયી અસ્વીકાર અને લાયક હોવા છતાં લાભાર્થીઓને બહાર મૂકવામા આવ્યા હોવાનું ધ્યાને આવ્યુ હતું. બોર્ડે સાત મ્યુનિસિપલ કોર્પોરેશનને કામદાર સુરક્ષા પગલા માટે કોરોના સુરક્ષા કવચ યોજનામાં પર કરોડ રૂપિયા આપ્યા હતા. માર્ચ 2023 સુધીમાં 36 કરોડના ઉપયોગ વિશે ચાર કોર્પોરેશન દ્વારા વપરાશ પ્રમાણપત્રો રજૂ કરાયા ન હતા. અન્ય ત્રણ કોર્પોરેશન પાસેથી 12.50 કરોડની વણવપરાયેલી ગ્રાન્ટની વસૂલાત માટે કોઈ પગલા ન લેવાયા.
કેગના રિપોર્ટ મુજબ તપાસ માટે પસંદગીની 50 બાંધકામ સાઈટમાંથી 44માં એમ્બ્યુલન્સ રૂમ ન હતા તેમજ 42માં એમ્બ્યુલન્સ વાન કે નજીકની હોસ્પિટલ સાથે વ્યવ્સથા ન હતી. 41 સાઈટમાં સ્ટ્રેચર ન હતી અને 11માં ફર્સ્ટ એઇડ બોક્સ ન હતા તેમજ 40 સાઈટમાં જીવન બચાવનાર સહાયક સાધનો કે ઉપકરણો ન હતા. જ્યારે ઉપકરણના ટ્રાન્સફર અને વસૂલવાની પદ્ધતિ-અમલીકરણમાં પણ ખામીઓ કેગ દ્વારા નોંધાઈ હતી.