મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે આયોજિત રાખીમેળાનું ઉદ્દ્ઘાટન કર્યું હતું

ગાંધીનગર મહાનગરપાલિકાની મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા ટ્રસ્ટ અને સ્વ સહાય જૂથ દ્વારા આયોજિત “રાખી મેળો” ત્રણ દિવસ ચાલશે
(જી.એન.એસ) તા. 7
ગાંધીનગર,
મહિલા આર્થિક સશકિતકરણને વેગ આપવા દર વર્ષની જેમ આ વર્ષે પણ આવનાર રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે “રાખી મેળો”નું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાનાહસ્તે આ “રાખી મેળો”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા ટ્રસ્ટ અને હર્ષાબા એન.યુ.એલ.એમ સ્વ. સહાય જૂથ દ્વારા “રાખી મેળો”નું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વ સહાય જુથો દ્વારા બહેનોને તાલીમ આપીને આજીવીકાલક્ષી પ્રવૃત્તિ સાથે સાંકળવાના ઉમદા પ્રયાસના ભાગરૂપે ગાંધીનગરના સેકટર-૭ના કોમ્યુનીટી હોલ ખાતે રક્ષાબંધનના તહેવારને નિમિત્તે તા. ૭ થી ૯ જુલાઇ સુધી ત્રી-દિવસીય રાખીમેળાનું આયોજન કરાયું છે.
મહિલાઓનો આર્થિક વિકાસ થાય અને તેઓ આત્મનિર્ભર બને તે હેતુથી મહિલા અને આર્થિક વિકાસ નિગમ દ્વારા નાણાકીય સહાય પુરી પાડવા તેમજ રોજગારી આપવા માટે વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે.
મહિલાઓના વિશ્વાસને વિવિધ યોજનાઓ થકી વધુ સક્ષમ બનાવવા તેમજ મહિલા કલ્યાણના સિધ્ધાંતને સાર્થક કરવા રાજ્ય સરકારે મહિલાઓના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ અમલી છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, કોર્પોરેટરશ્રીઓ, મહાનુભાવો અને મહિલા અને બાળ વિકાસના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.