
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૭.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૦૦ સામે ૮૨૫૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૦૧૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૨૫૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૨૩ સામે ૨૫૨૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૭૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૧૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક અનિશ્ચિતતા તેમજ જીઓપોલિટીકલ ટેન્શનને લઈ ચિંતા વ્યક્ત કરતાં પડકારોની સ્થિતિએ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ ફરી વકરતાં અને ટ્રમ્પ એક પછી એક દેશોને નિશાન બનાવીને મિત્ર દેશ કહીને આકરાં ટેરિફ લાદવાનું જાહેર કરતાં રહેતાં વૈશ્વિક બજારોના સેન્ટીમેન્ટ સાથે ભારતીય શેરબજારનું પણ સેન્ટીમેન્ટ ફરી ડહોળાયું હતું.
બ્રિક્સ દેશો પર વધારાના ૧૦% ટેરિફ લાદવાનું અને ત્યાર બાદ બ્રાઝિલ પર ૫૦% ટેરિફ અને તાંબા-કોપરની અમેરિકામાં થતી આયાત પર ૫૦% ટેરિફ ઝિંકવાનું જાહેર કરનારા ટ્રમ્પે હવે ચાઈના પ્લસ ૧ની પોલિસીને આડેહાથ લઈ વિયેતનામ પર આકરાં ટેરિફ લાદવાનું જાહેર કરતાં અને ભારત સાથેની ટ્રેડ ડિલ ઘોંચમાં પડતાં અને ભારત પર પણ ૩૫% ટેરિફની અટકળો તેમજ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી મજબૂતી અને બીજી તરફ ટ્રમ્પ ટેરિફ યુદ્ધના પરિણામે ભારતની રશીયા, ઈરાન સહિતના દેશોથી થતી ક્રુડની આયાત અંકુશિત બનવાની શકયતાઓ વચ્ચે શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૧ ઓગસ્ટથી યુરોપિયન યુનિયન અને મેક્સિકોથી આયાત પર ટેરિફ લાદવાની ધમકી આપ્યા બાદ સોમવારે અમેરિકન ચલણમાં મજબૂતી અને ભારતીય મૂડી બજારમાંથી વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે જોરદાર ઉનાળુ માંગને પરિણામે ક્રુડ ઓઈલની વૈશ્વિક બજાર જણાય છે તેના કરતા વધુ મજબૂત હોવાના ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના નિવેદન બાદ વૈશ્વિક ક્રુડ ઓઈલના ભાવમાં અંદાજીત ૨% જેટલો વધારો જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, ઈન્ડસ્ટ્રિયલ્સ અને કેપિટલ ગુડ્સ ઘટ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૩૭ અને વધનારની સંખ્યા ૨૦૫૪ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈટર્નલ ૨.૮૩%, ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ ૧.૨૩%, સન ફાર્મા ૦.૫૪%, આઈટીસી લિ. ૦.૫૪%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૫૨%, ટાટા સ્ટીલ ૦.૩૧%, અદાણી પોર્ટ્સ ૦.૨૩%, સ્ટેટ બેન્ક ૦.૧૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૦૩% અને ભારતી એરટેલ ૦.૦૩% વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ ૧.૫૮%, ટેક મહિન્દ્ર ૧.૫૫%, બજાજ ફાઈનાન્સ ૧.૫૪%, ઈન્ફોસિસ ૧.૫૩%, એચસીએલ ટેકનોલોજી ૧.૪૧%, ટીસીએસ લિ. ૧.૨૯%, લાર્સન લિ. ૧.૨૫%, ટાટા મોટર્સ ૧.૦૪% અને બજાજ ફિનસર્વ ૦.૭૭% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૯૫ લાખ કરોડ વધીને ૪૫૭.૬૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૦ કંપનીઓ વધી અને ૨૦ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્તમાન વર્ષના જૂનમાં દેશમાં ૨૫ લાખ નવા ડીમેટ ખાતા ખોલાવાયા છે જે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સૌથી મોટો ઉમેરો છે. ૨૫ લાખ નવા ડીમેટ ખાતા સાથે ડીમેટ ખાતાની એકંદર સંખ્યા વધી ૨૦ કરોડની નજીક પહોંચી ગયાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. જૂન માસમાં શેરબજારમાં ફરી આવેલી રેલીને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. જૂન ૨૦૨૪માં કુલ ૪૫ લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા હતા. સપ્ટેમ્બર ૨૦૨૪માં આ આંક ૪૮ લાખ રહ્યો હતો પરંતુ ત્યાર બાદ વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવને લઈને ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં સ્થિતિ ડામાડોળ થતા રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનો વિશ્વાસ કથળી ગયો હતો જેને પરિણામે નવા ડીમેટ ખાતામાં ઉમેરો મંદ પડયો હતો.
જુન ૨૦૨૪માં ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૧૬.૨૦ કરોડ હતી જે વર્તમાન વર્ષના જૂનના અંતે વધી ૧૯.૯૦ કરોડ પર પહોંચી ગયાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. માર્ચ-એપ્રિલની સરખામણીએ જૂનમાં શેરબજારની મજબૂત કામગીરીને પગલે રોકાણકારો ફરી શેરબજાર તરફ વળ્યા છે. માર્ચમાં શૂન્ય અને એપ્રિલમાં એક લિસ્ટિંગ બાદ જૂનમાં આઠ જેટલી કંપનીઓએ બજારમાંથી રૂ.૧૭૫૦૦ કરોડથી વધુ રકમ ઊભી કરી હતી. વિશ્વના અન્ય ઊભરતા દેશોની સરખામણીએ ભારતના અર્થતંત્રની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે. ઉપરાંત સારા વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે ગ્રોથ નોંધાવાના સંકેત સાથે ગ્રામીણ માંગ પણ મજબૂત રહેવાની શક્યતા છે. ત્યારે આગામી દિવસોમાં ભારતીય શેરબજાર પર તેની પોઝીટીવ અસર જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in