OBC Student Hostel Fund: મોદી સરકારથી ગુજરાતને હોસ્ટેલ ફાળવણીમાં ઝીરો સહાય, OBC વિદ્યાર્થીઓમાં રોષ

OBC Student Hostel Fund: ઓબીસીના નામે સરકાર મતો મેળવી રહી છે પણ આ જ સમાજના વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે પીછેહટ કરી રહી છે. સંસદમાં રજૂ થયેલાં એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો કે, ઓબીસી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ નિર્માણ કરવા કેન્દ્રએ ગુજરાત સરકારને કાણીપાઈ પણ ફાળવી નથી.
વિદ્યાર્થીઓ પીજી અથવા હોસ્ટેલમાં રહેવા મજબૂર
અભ્યાસ કરવા ઘણાં વિદ્યાર્થીઓ શહેરમાં પીજી અથવા હોસ્ટેલમાં રહેવા મજબૂર બન્યાં છે. હોસ્ટેલમાં મોંઘી ફી સાથે સંતાનોને ભણાવવા બધા વાલીઓને આર્થિક રીતે પરવડે તેમ હોતુ નથી. આ સંજોગોમાં સરકારી હોસ્ટેલમાં પ્રવેશ મળે તો આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઘણું પ્રોત્સાહન મળી રહે તેમ છે.
કેન્દ્રએ ઓબીસી વિદ્યાર્થીઓ માટે કાણી પાઇ પણ ન ફાળવી
કેન્દ્ર સરકારે ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવા ગોવાને 3.60 કરોડ, કર્ણાટકમાં 9.78 કરોડ, મધ્યપ્રદેશને 8.04 કરોડ, તામિલનાડુને 12.29 કરોડ, મણિપુરને 7.65 કરોડ, સિક્કિમને 3 કરોડ અને ત્રિપુરાને 1.57 કરોડ ફાળવ્યાં હતાં. જોકે, છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં ઓબીસી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બને તે માટે ફદિયુ ય આપ્યુ નથી. આમ, ગુજરાતના ઓબીસી વિદ્યાર્થીઓ સાથે કેન્દ્રએ હળહળતો અન્યાય કર્યો છે.