
(જી.એન.એસ) તા. 13
બનાસકાંઠા,
બનાસકાંઠામાં જિલ્લામાં મોડી રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેતરો જળબમ્બાકાર થયા છે. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેતરો તળાવ બન્યા છે. ખેતરોમાં ઉભેલા ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ જોવા મળી રહી છે.
છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા, પાલનપુર અને ડીસામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાંતિવાડામાં 6.30 ઈંચ, પાલનપુરમાં 4.56 ઈંચ, ડીસામાં 3.66 ઈંચ, દાંતામાં 3.07 ઈંચ અને વડગામમાં 2.52 ઈંચ વરસાદ નોંધાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયું હતું જેને કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલનપુર-આબુરોડ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે આજે સવારથી જ વડગામ, પાલનપુર ડીસા દાતીવાડા, દિયોદર, થરાદ, લાખણી, ધાનેરા, વાવ, સૂઈગામ અને કાંકરેજમાં વરસાદ પડી રહ્યો છે.
ભારે વરસાદથી સીપુ નદીમાં નવા નીરની આવક થઈ છે, દાંતીવાડા, સીપુ ડેમની પાણીની જળ સપાટીમાં વધારો થયો છે, દાંતીવાડા ડેમમાં 9760 ક્યુસેક પાણીની આવક થઈ છે, દાંતીવાડા ડેમની જળ સપાટી 562.79 ફૂટે પહોંચી છે, સીપુ ડેમમાં 3246 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, સીપુ ડેમની જળ સપાટી 572.77 ફૂટે પહોંચી છે.
સતત ધોધમાર વરસાદથી બનાસકાંઠા જિલ્લાના નદીનાળા છલકાઈ ગયા હતા. આલવાડાનું વહેણ ફરી જીવંત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભારે વરસાદથી રેલ નદીમાં પાણીની આવક શરૂ થઈ હતી.