
અમદાવાદ, શહેરના પૂર્વ રિવરફ્રન્ટ પર રક્ષાબંધનના દિવસે અકસ્માત સર્જાયો હતો. એક યુવકના ઘરે તહેવાર હોવાથી મહેમાનો આવ્યા હતા. રાત્રે મહેમાનોને મૂકવા જતો હતો ત્યારે રિવરફ્રન્ટ પર પૂરઝડપે આવેલા બાઇકના ચાલકે યુવકને ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો. બંને બાઇકસવાર અને યુવકને સારવાર માટે ખસેડ્યા હતા.
જ્યાં યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે સનાથલ બ્રિજના છેડે આઇસરની અડફેટે આવેલા બાઇકચાલકનું મોત નિપજ્યું હતું. બંને ઘટનાને લઇને ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે. બહેરામપુરામાં રહેતા ૩૯ વર્ષીય રાજેન્દ્ર બારોટ રક્ષાબંધનના દિવસે આવેલા મહેમાનોને મૂકવા માટે ભત્રીજાઓ સાથે જતા હતા. રાજેન્દ્રભાઇ તેમના મહેમાનો અને ભત્રીજાઓ સાથે રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. ત્યાં રામ રહીમના ટેકરા પાસે રોડ ક્રોસ કરવા જતી એક બાઇકના ચાલકે રાજેન્દ્રભાઇને ટક્કર મારીને અડફેટે લીધા હતા.
રાજેન્દ્રભાઇ અને બાઇક પર સવાર બે લોકો સહિત ત્રણેય રોડ પર પટકાતા સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રાજેન્દ્રભાઇનું મોત નિપજ્યું હતું. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે બાઇકચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ દાહોદના ૨૭ વર્ષીય મેહુલભાઇ પરમાર સનાથલ પાસે રહેતા હતા. તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગત શનિવારે બપોરે મેહુલભાઇ બાઇક લઇને કામઅર્થે જઇ રહ્યા હતા. ત્યારે સનાથલ બ્રિજના છેડે અજાણ્યા વાહનના ચાલકે તેમના બાઇકને પાછળથી ટક્કર મારતા તે રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હતું.
રાહદારીઓએ ભેગા થઇને તેમના પરિવારને જાણ કરી પોલીસ બોલાવી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં આઇસરના ચાલકે ટક્કર મારતા મેહુલભાઇનું મોત નિપજ્યું હોવાનું સામે આવતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદમાં રહેતા વિભાબેન જેઠવા રક્ષાબંધનના દિવસે તેમના ભાઇને રાખડી બાંધવા માટે અમદાવાદ આવ્યા હતા. તહેવાર મનાવીને તે સીટીએમ ખાતે પહોંચ્યા હતા. ત્યાં બસમાં ચઢવા જતા પાછળથી આવતી બસે તેમને ટક્કર મારતા ઇજાઓ પહોંચી હતી. આ મામલે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.SS1MS