Saturday, August 9, 2025
ગુજરાત

ચીન દ્વારા લાગુ કરાયેલા વિવિધ પ્રતિબંધોથી ભારતના ઈલેકટ્રોનિકસ ઉદ્યોગ સામે જોખમ..!!




\"\"

વૈશ્વિક નિકાસ બજારમાં ભારતના ઈલેકટ્રોનિકસ ઉદ્યોગે ભારે જહેમત બાદ સ્પર્ધાત્મકતા હાંસલ કરી છે ત્યારે ચીનની આડોડાઈને કારણે આ સ્પર્ધાત્મકતા છીનવાઈ જશે એટલુ જ નહીં પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ હેઠળ થઈ રહેલા લાભો પણ ધોવાઈ જશે એમ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેકટ્રોનિકસ એસોસિએશન વતિ દાવો કરાયો છે અને આ સંદર્ભમાં દરમિયાનગીરી કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. ચીન દ્વારા અનૌપચારિક રીતે લાગુ કરાયેલા વિવિધ પ્રતિબંધોને કારણે દેશના ૩૨ અબજ ડોલરના નિકાસલક્ષી સ્માર્ટફોન તથા ઈલેકટ્રોનિકસ ઉદ્યોગ સામે જોખમ ઊભા થવાની શકયતા જણાતા ઉદ્યોગ દ્વારા સરકાર સમક્ષ ચિંતા વ્યકત કરવામાં આવી છે.

ચીન દ્વારા હાથે કરીને લાગુ કરાયેલા પ્રતિબંધોને કારણે ઈલેકટ્રોનિકસ સાધનો, મહત્વના ખનિજો તથા સ્કીલ્ડ ચાઈનીસ ટેકનિકલ કર્મચારીઓ મેળવવાનું મુશકેલ બનતું જાય છે. દેશમાં ઈલેકટ્રોનિકસ માલસામાનના ઉત્પાદન માટે આ બધુ આવશ્યક છે. કોઈપણ જાતની સત્તાવાર જાહેરાત વગર ચીન દ્વારા આ ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકી દેવાયા છે. વિશ્વ સ્તરે ભારતની સ્પર્ધાત્મકતા ઘટાડવાના ભાગરૂપ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા હોવાનો પણ એસોસિએશને આક્ષેપ કર્યો છે. 

ઈલેકટ્રોનિકસ ઉત્પાદનો માટેના મહત્વના એવા સાધનો અને મશીનરીનો ચીન વિશ્વમાં મોટો પૂરવઠેદાર દેશ છે. ભારત સહિત વિશ્વના અનેક દેશો આ સાધનો માટે ચીન પર નિર્ભર રહે છે. આ સાધનોનું ઘરઆંગણે ઉત્પાદન કરવામાં અથવા તો જાપાન કે કોરિઆ જેવા દેશો ખાતેથી તેની આયાત કરવામાં ભારતના ઈલેકટ્રોનિક માલસામાનના ઉત્પાદન ખર્ચમાં બે થી ત્રણ ગણો વધારો થઈ શકે છે, પરિણામે વિશ્વ બજારમાં ભારતની સ્પર્ધાત્મકતા નબળી પડવાનું જોખમ રહેલું છે. નાણાં વર્ષ ૨૦૨૫માં દેશમાં સ્માર્ટફોનનું ઉત્પાદન ૬૪ અબજ ડોલર પર પહોંચી ગયું હતું જેમાં ૩૮% અથવા તો ૨૪.૧૦ અબજ ડોલરના સ્માર્ટફોનની નિકાસ થઈ હતી.  એન્જિનિયરિંગ માલસામાન તથા પેટ્રોલિયમ પ્રોડકટસ બાદ ગયા નાણાં વર્ષમાં નિકાસ યાદીમાં સ્માર્ટફોનની નિકાસનો આંક ત્રીજા ક્રમે રહ્યો હતો. તાજેતરમાં આવેલા એક અહેવાલમાં ફોકસકોન્ન જે એપલના સૌથી મોટા કોન્ટ્રેકટ ઉત્પાદક છે તેના દક્ષિણ ભારતના આઈફોન ઉત્પાદન મથકેથી સેંકડો ચાઈનીસ એન્જિનિયરો અને ટેકનિશિયનોને પલાયન થઈ ગયા છે. ચીનમાંથી સ્થળાંતર કરી ભારતમાં ઉદ્યોગો સ્થાપવાના કંપનીઓને અટકાવવાના ચીન પ્રયાસમાં હોવાનું જણાવાઈ રહ્યું છે.