
(જી.એન.એસ) તા. 25
ગુજરાતમાં ફરી રાજ્યવ્યાપી વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ શુક્રવારથી આગામી 7 દિવસ સુધી ગુજરાત રાજ્યમા વરસાદી વાતાવરણ રહેશે.
છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડી ઉપર સર્જાયેલ લો પ્રેશર, રાજસ્થાનમાં દરિયાઈ સપાટીથી 3.1 કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન, ગંગાનર, સિરસા થઈને લો પ્રેશર એરિયા સુધી પસાર થઈ રહેલ મોનસુન ટ્રર્ફ તેમજ મહારાષ્ટ્રથી કેરળ સુધીના દરિયાઈ પટ્ટીમાં સર્જાયેલ ઓફ શોર ટ્રર્ફને કારણે ગુજરાતમાં આશરે એક સપ્તાહ સુધી વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ આવતા, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સુધીમાં પણ વ્યાપક વરસાદ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં આજે ગુરુવારના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.