શહેરના રાજમાર્ગ ઉપર શટલ રીક્ષા સિવાય રેગ્યુલર મીટરથી રીક્ષાઓ દોડી રહી છે. -રીક્ષાઓમાં ફલેટ મીટર લાવ્યા પરંતુ તેનો અમલ કેટલો ?
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર મેગાસીટી બની રહયુ છે. પરંતુ સુખ-સુવિધા તથા સગવડની બાબતમાં જે નિતિ- નિયમોનું પાલન થવુ જોઈએ તેમાં સંભવતઃ કચાશ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના રાજમાર્ગ ઉપર શટલ રીક્ષા સિવાય રેગ્યુલર મીટરથી રીક્ષાઓ દોડી રહી છે. રીક્ષાઓમાં ફલેટ મીટર લાવ્યા પરંતુ તેનો અમલ કેટલો ?
રીક્ષાવાળાઓએ ફલેટ મીટર રૂપિયા ખર્ચીને ખરીદયા પરંતુ મોટેભાગે હાલમાં તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. ફલેગમીટર લગભગ કિસ્સાઓમાં બંધ હોય છે તેની પાછળ અનેક તર્ક-વિતર્કો છે. ઓટો રીક્ષાચાલકોનું કહેવુ છે કે પેસેન્જર રોજ મીટરથી જવા માટે ના પાડે છે અને ઉચ્ચકભાડુ બોલે છે. ઘણી વખત તો મીટર કરતા ઉચ્ચકભાડુ વધારે થાય છે પરંતુ પેસેન્જરો કહે એટલે અમારે લઈ જવા પડે છે.
પરંતુ સિક્કાની બીજી બાજુ જોઈએ તો જેને મીટરથી જવુ છે તેવા પેસેન્જરોને ઓટો રીક્ષાવાળા યેનકેન બહાના કરીને ઈન્કાર કરી દે છે એક તરફ આપણે ફલેગ મીટર પ્રથા લાવ્યા પરંતુ તેનો અમલ થાય છે કે કેમ?
તેનું ફોલોઅપ કોઈ જોતુ નથી તો પછી નવા મીટર લાવીને રીક્ષાચાલકોને માથે ખર્ચા નાંખવાનો મતબલ શું ! બીજી તરફ પેસેન્જરોએ પણ મીટરથી જ જવાનો આગ્રહ રાખવો જોઈએ.
સરકાર અને વહીવટીતંત્ર જયારે કોઈ નવા નિયમો લાવે છે ત્યારે તેનો સુચારૂ અમલ થાય તે જોવાની જવાબદારી તંત્રની ભલે હોય પરંતુ કાયદા કે નિયમોનું પાલન કરવાની જવાબદારી નાગરિકોની પણ છે જો નિયમોનું પાલન નહી થાય તો જંગલરાજ જેવી સ્થિતિનું નિર્માણ થતા વાર નહી લાગે. સરકાર જે નિયમો લાવે છે તેનું પાલન કરવાની જવાબદારી નાગરિકોની પણ છે.