Sunday, August 10, 2025
ગુજરાત

લાંભાના અર્બન ફોરેસ્ટ પાર્કમાં મૂકવામાં આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ

લાંભાના અર્બન ફોરેસ્ટ પાર્કમાં મૂકવામાં આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.
લાંભા વોર્ડમાં ત્યાર થયેલા અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો ૪૪૬૪ ચોરસ મીટરમાં રૂ. ૫૫ લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરીને તૈયાર કરવામાં આવ્યો છે.
મિયાવાકી પદ્ધતિથી સાગ,ખેર,વાંસ,સીરસ,સીસુ,અર્જુન વિગેરે ઇન્ડીજીનસ પ્રકારનાં કુલ ૮,૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ૨૫૦ રનીંગ મીટર લંબાઇનો વોક-વે ત્યાર કરવામાં આવ્યો છે.
આ અર્બન ફોરેસ્ટ પાર્કના લોકાર્પણ અવસરે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન,મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનીધી પાની,શહેર વિસ્તારના ધારાસભ્યશ્રીઓ,કોર્પોરેટર શ્રીઓ,મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે. ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીશ્રીના દિશા સૂચનમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રિઝ-૨૦૨૫ ઉપાડ્યું છે.
મિશન ફોર મિલીયન ટ્રીઝ ૨૦૨૫ અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ૪૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. જે પૈકી ૭ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં કુલ ૨૭,૧૧,૪૪૩ વૃક્ષો રોપવામાં આવ્યા છે.
આમ,૪૦ લાખનાં લક્ષ્યાંકની સામે ૬૬.૭૭ ટકા વૃક્ષારોપણની સિદ્ધિ અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી છે. આગામી સમયમાં ઝડપથી બાકીના વૃક્ષો રોપવાની કામગીરી પૂર્ણ કરાશે.
અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિયાવાકી પદ્ધતિ તેમજ પ્લોટોમાં ગીચ વૃક્ષારોપણ થકી અત્યાર સુધીમાં ૧૯૮ જેટલાં પ્લોટમાં ઓક્સિજન પાર્ક/ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદના ઝોન મુજબ વાત કરીએ તો,પૂર્વ ઝોનમાં ૫૮,પશ્વિમ ઝોનમાં ૩૦,ઉત્તર ઝોનમાં ૨૯,દક્ષિણ ઝોનમાં ૧૮,ઉત્તર પશ્વિમ ઝોનમાં ૩૨ તેમજ દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૩૧ એમ થઇને કુલ ૧૯૮ ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટનો સમાવેશ થાય છે.