
‘નારી વંદન ઉત્સવ‘ સપ્તાહ: અમદાવાદ જિલ્લો
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કંચનબહેન વાઘેલા દ્વારા મહિલાઓને પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તીકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 01 થી 08 ઓગસ્ટ, 2025 સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. નારીશકિત માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયભરની મહિલા અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે.
આ અંતર્ગત અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તા. 05 ઓગષ્ટના રોજ જિલ્લા પંચાયત, લાલદરવાજા ખાતે ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી કરવામા આવી હતી.

આ કાર્યક્રમમાં મહિલાઓને પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કંચનબહેન વાઘેલા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આઈ.સી.ડી.એસ. યોજનાના મુખ્ય સેવિકાબહેન, આંગણવાડી વર્કર, શિક્ષણ વિભાગમાથી શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષિકાબહેન, ગૃહ વિભાગના પી.એસ.આઈ.શ્રી, આરોગ્ય વિભાગના આશાવર્કર બહેન અને મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી હસ્તક કાર્યરત વિવિધ યોજના અને કેન્દ્રો ખાતે ઉત્કૃષ્ઠ કામગીરી માટે દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, ફિલ્ડ ઓફિસરશ્રી, ક્લાર્ક તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના પેરા લીગલ બહેન અને અન્ય કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદેહ ખરે દ્વારા મહિલા અને બાળ વિભાગ હસ્તકની વ્હાલી દિકરી યોજનાનો દરેક દીકરીને લાભ મળે તે માટે આઈ.સી.ડી.એસ. વિભાગના સંપર્કમાં રહી તે માટેના પ્રયત્ન કરવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તદુપરાંત, આઈ.સી.ડી.એસ. વિભાગમાં ચાલી રહેલ ‘સ્તનપાન સપ્તાહ’ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારીશ્રી જીગરભાઈ બી.જસાણી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. કારોબારી સમિતીના ચેરમેનશ્રી પ્રમોદભાઈ બળદેવભાઈ પટેલ દ્વારા મહિલા નેતૃત્વ દિવસ નિમિતે મહિલાઓને જાગૃતિ અને પ્રેરણા પૂરી પાડી સમાજના સાંપ્રત પ્રવાહમાં તેઓ માનભેર રહી શકે અને પોતાનું આગવું નેતૃત્વ આગળ ધપાવી શકે તે અંગેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી ભાવનાબહેન વડલાણી, સિંચાઈ ઉત્પાદન અને સહકાર સમિતીના ચેરમેનશ્રી, અલ્પાબહેન ચૌહાણ, પ્રોગ્રામ ઓફિસરશ્રી ગૌરીબહેન ચૌહાણ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી વૃતિકા વેગડા અને શ્રી તનવી ચાવડા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.