RTI in Gujarat: માહિતીનો અધિકાર એટલે કે Right to Information (RTI) કાયદાને આજથી 20 વર્ષ પૂર્ણ થયા છે. આ કાયદો સરકારને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપે છે અને ભ્રષ્ટાચાર રોકવામાં મદદરૂપ બને છે. તેમ છતાં, અનેક વિભાગો હજુ માહિતી છુપાવવા પ્રયત્નશીલ છે.
21.29 લાખ RTI અરજીમાં 58% માત્ર ત્રણ વિભાગોમાં
ગુજરાતના 31 વિભાગોમાં છેલ્લા બે દાયકામાં કુલ 21,29,614 RTI અરજીઓ થઈ છે. તેમાં સૌથી વધુ —
5,63,473 શહેરી વિકાસ વિભાગમાં,
4,20,430 ગૃહ વિભાગમાં,
2,59,639 મહેસૂલ વિભાગમાં થઈ.
વર્ષ 2024-25 દરમિયાન સૌથી વધુ અરજીઓ ગૃહ વિભાગમાં (35,276) થઈ હતી.
RTI ભંગ બદલ 1 કરોડથી વધુનો દંડ
બે દાયકામાં 1,284 અધિકારીઓ/કર્મચારીઓને કુલ ₹1.14 કરોડનો દંડ ફટકારાયો, જેમાંથી ₹1.07 કરોડ વસૂલાયો. અધિકારીઓ દ્વારા માહિતી ન આપવાની કે ખોટી માહિતી આપવાની ઘટનાઓ પર રાજ્ય માહિતી આયોગે પગલાં લીધા.
આયોગની મર્યાદા અને પડતર કેસ
કુલ 21 લાખથી વધુ RTI અરજીઓ સામે 1.37 લાખ અપીલો/ફરિયાદો નોંધાઈ છે. હાલમાં 1,248 કેસ પડતર છે. છેલ્લા 20 વર્ષમાં આયોગે 74 અધિકારીઓ સામે શિસ્તભંગની ભલામણ કરી, પરંતુ તેની પર કાર્યવાહી અંગે માહિતી ઉપલબ્ધ નથી.
વેબસાઈટ વિવાદ: બે વિભાગ ચર્ચામાં
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગની વેબસાઈટોમાં પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠ્યા છે. અન્ન પુરવઠાની સાઇટ ખુલતી નથી, જ્યારે ઉદ્યોગ વિભાગની RTI લિંક કાર્યરત નથી.
માહિતી આયોગમાં કોઈ પત્રકાર કે સામાજિક કાર્યકર્તા નહીં
છેલ્લાં 20 વર્ષમાં 22 માહિતી આયુક્ત નિયુક્ત થયા છે, જેમાં મોટેભાગે નિવૃત્ત IAS અધિકારીઓ અને ન્યાયાધીશો રહ્યા છે. પત્રકાર અથવા સામાજિક ક્ષેત્રના વ્યક્તિને આજદિન સુધી તક મળી નથી.

