Ahmedabad mental health cases increase: આજની ઝડપી અને તણાવપૂર્ણ જીવનશૈલીને કારણે અમદાવાદના નાગરિકોનું માનસિક સ્વાસ્થ્ય ગંભીર રીતે કથળી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં શહેરમાં એન્ક્ઝાઇટી ડિસઓર્ડરના કેસોમાં 400 ટકા અને ડિપ્રેશનના કેસોમાં 300 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડાઓ શહેરી જીવનના વધતા માનસિક બોજ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
મનોચિકિત્સકોની સંખ્યામાં ધરખમ વધારો છતાં કેસ વધ્યા
એક સમય હતો જ્યારે 30 વર્ષ પહેલાં અમદાવાદમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ મનોચિકિત્સકો (Psychiatrists) હતા અને માનસિક તકલીફનો સ્વીકાર કરવો પણ મુશ્કેલ હતો. તેની સામે આજે ગુજરાતમાં અંદાજિત 511 અને એકલા અમદાવાદમાં અંદાજિત 411 પ્રેક્ટિસિંગ મનોચિકિત્સકો છે. આટલી મોટી સંખ્યામાં નિષ્ણાતો હોવા છતાં, માનસિક રોગનો દર સતત વધી રહ્યો છે.
ઓપીડીમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ
પાંચ વર્ષમાં કોવિડ મહામારી ઉપરાંત આર્થિક અને રોજિંદા સમસ્યાઓને કારણે માનસિક રોગોની ઓપીડીમાં બમણો વધારો જોવા મળ્યો છે. પાંચ વર્ષ પહેલાં ગુજરાતની વિવિધ ઓપીડીમાં રોજના સરેરાશ 196 દર્દીઓ આવતા હતા, જે 2024 સુધીમાં વધીને 433 થઈ ગયા છે. અંદાજિત 80 લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં માત્ર પાંચ વર્ષમાં સામાન્ય માનસિક તકલીફ ધરાવતા દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થયો છે.
એન્ટી ડિપ્રેશન દવાઓનું વેચાણ 85 કરોડ રૂપિયાને પાર
સ્થાનિક સ્તરે એન્ટી ડિપ્રેશન દવાઓના વેચાણના આંકડા પણ માનસિક સ્વાસ્થ્યના કથળતા સ્તરની સાબિતી આપે છે. આધારભૂત માહિતી મુજબ, આ દવાઓનું વેચાણ પાંચ વર્ષ પહેલાં 63 કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 85 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
નેશનલ સર્વે પ્રમાણે, કુલ વસ્તીના અંદાજિત 10.6 ટકા લોકો માનસિક રોગોનો શિકાર છે. જોકે, મનોચિકિત્સકના મતે આ આંકડો માત્ર એવા દર્દીઓનો છે જેઓ પોતાની માનસિક બીમારીનો સ્વીકાર કરીને સારવાર માટે આવે છે. એવા અનેક કિસ્સાઓ છે જ્યાં લોકો માનસિક બીમારી હોવા છતાં અજાણ છે અથવા તો નિષ્ણાંતો પાસે જવાને બદલે ફિઝિશિયનો પાસેથી સામાન્ય દવાઓ લઈને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે.

