Montu Namdar Jail Investigation:અમદાવાદમાં ભાજપ કાર્યકર્તાની હત્યા કેસમાં આરોપી મોન્ટુ ગાંધી ઉર્ફે મોન્ટુ નામદારના જેલની અંદરના વીડિયો બહાર આવતા જ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જેલોના વડા ડૉ. કે.એલ.એન. રાવે (Dr. K. L. N. Rao) તરત જ તપાસના આદેશ આપ્યા છે, પરંતુ હંમેશની જેમ આ તપાસ કેટલી ગંભીર રહેશે તે અંગે શંકા ઉદ્ભવી છે.
Gujarat ની જેલોમાં ભ્રષ્ટાચારનો કાળો ચહેરો
જેલ એટલે સજાનું સ્થાન હોવું જોઈએ, પરંતુ ગુજરાતમાં જો તમારી પાસે પૈસા હોય તો જેલ મહેલ બની જાય છે. રાજ્યના ગૃહ વિભાગના તાબામાં આવતી જેલોમાં ભ્રષ્ટાચાર કોઈ નવી વાત નથી. સાબરમતી જેલમાં વર્ષ 2013માં અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓએ ખોદેલી 213 ફૂટ લાંબી સુરંગ હોય કે કેદીઓ પાસેથી મળતા મોબાઈલ અને પ્રતિબંધિત સામાન — દરેક ઘટના સિસ્ટમની ખામીઓ દર્શાવે છે.
મોન્ટુ નામદાર કઈ જેલમાં છે અને વીડિયો ક્યાં ઉતારાયા ?
જૂન 2022થી કેદ મોન્ટુ નામદાર પહેલા અમદાવાદ અને નડીયાદની બિલોદરા જેલમાં હતો, હાલમાં વડોદરા મધ્યસ્થ જેલમાં છે. તેની જેલમાં સ્નાન, કસરત અને વાતચીતના વીડિયો વાયરલ થયા બાદ અધિકારીઓ દોડતા થયા. વડોદરા જેલના સુપ્રિટેન્ડન્ટ ઉષા રાડાની તપાસમાં જાણવા મળ્યું કે વીડિયો નડીયાદ જેલના છે. તપાસ ટીમે નડીયાદ-બિલોદરા જેલની મુલાકાત લઈને પુરાવા એકત્ર કર્યા છે
કોણ છે મોન્ટુ નામદાર ?
મોન્ટુ નામદાર અમદાવાદના ખાડીયા વિસ્તારનો નિવાસી છે, જે વર્ષો સુધી જુગારનો ધંધો ચલાવતો હતો. જૂન 2022માં ભાજપ કાર્યકર્તાની હત્યા કેસમાં તેની ધરપકડ થઈ હતી. જેલમાં તેને ખાવા-પીવાની સાથે મોબાઈલની સુવિધા મળતી હોવાનું સામે આવ્યું છે. પેરોલ દરમિયાન નાસી છૂટવાનો પણ તેના પર આરોપ છે. માર્ચ 2025માં નડીયાદ જેલમાંથી તેના પાસેથી મોબાઈલ મળી આવતા ફરી ગુનો નોંધાયો હતો. ત્યારબાદ અદાલતે તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવાનો હુકમ આપ્યો હતો.
જેલ અધિક્ષકનો પત્ર ગુમ થવાનો કિસ્સો
મોન્ટુ નામદારને નડીયાદ જેલમાંથી ખસેડવા માટે જેલ અધિક્ષકે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ એ પત્ર અચાનક ગુમ થઈ ગયો. ત્યારબાદ નવી અરજી દાખલ થતાં 24 એપ્રિલ 2024ના રોજ ન્યાયાધીશ ભારત ભાસ્કરભાઈ જાદવે મોન્ટુને વડોદરા મધ્યસ્થ જેલમાં ખસેડવાનો આદેશ કર્યો હતો.
ગુજરાતની જેલોમાં કાંડ પર કાંડ
ગુજરાતની વિવિધ જેલોમાં છેલ્લા દાયકાઓમાં અનેક ચોંકાવનારી ઘટનાઓ બની ચૂકી છે —
ડૉન અબ્દુલ લતીફે જેલમાંથી ફોન દ્વારા ગોળીબાર કરાવ્યો હતો.
અતિક અહમદે જેલમાંથી વોટ્સએપ ચેટિંગ કરીને ઉત્તરપ્રદેશમાં હત્યા કરાવી હતી.
ભચાઉની સબ જેલમાં કેદી જયંતિ ડુમરાએ દારૂની મહેફિલ માણી હતી.
આ બધા કિસ્સા બતાવે છે કે “જેલમાં પૈસા હોય તો કાયદો નબળો પડે છે.
મોન્ટુ નામદારનો વીડિયો માત્ર એક ઉદાહરણ છે કે કેવી રીતે રાજ્યની જેલોમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તપાસના આદેશો દર વખતે આપવામાં આવે છે, પરંતુ ક્યારેય પણ જવાબદાર સામે કડક પગલા લેવામાં આવતા નથી.

