સુપ્રીમ કોર્ટે શુક્રવારે અમદાવાદમાં રોડ પહોળો કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે 400 વર્ષ જૂની મંચા મસ્જિદના આંશિક ડિમોલિશન સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે મહાનગરપાલિકા જનહિતમાં કામ કરી રહી છે અને આ પ્રોજેક્ટ હેઠળ મંદિરની સાથે કોમર્શિયલ અને રહેણાંક મિલકતોને પણ તોડી પાડવામાં આવી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે મસ્જિદના પ્રાર્થના હોલને બચાવવા માટે મંચા મસ્જિદ ટ્રસ્ટના વકીલ દ્વારા કરવામાં આવેલી સતત માંગને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આસ્થા મહેતા મારફત જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશને હાઈકોર્ટ સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે રોડ પહોળો કરવાના પ્રોજેક્ટથી માત્ર ખાલી જમીનનો એક ટુકડો અને મસ્જિદના પ્લિન્થનો એક ભાગ પ્રભાવિત થશે.
મહેતાએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે મસ્જિદના મુખ્ય માળખાને જરાય અસર થશે નહીં. તેમણે કોર્ટનું ધ્યાન મંદિરને તોડી પાડવા તરફ દોર્યું અને સ્થાનિક રહેવાસીઓએ જાહેર હિતમાં માર્ગ પહોળો કરવા માટે તેમની મિલકતો સ્વેચ્છાએ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી.
ખંડપીઠે કહ્યું કે આ કલમ 25 હેઠળ ધાર્મિક અધિકારોના ઉલ્લંઘનનો મામલો નથી. વક્ફ બોર્ડ મસ્જિદની જમીનના ઉપયોગ માટે વળતર માટે ત્યારે જ હકદાર બની શકે છે જો બોર્ડ સાબિત કરે કે જમીન વકફની છે.

