ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ શ્રેણી 19 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચ પર્થમાં રમાશે, ત્યારબાદ બીજી વનડે એડિલેડમાં (23 ઓક્ટોબર) અને ત્રીજી અને અંતિમ મેચ સિડનીમાં (25 ઓક્ટોબર) રમાશે. આ પછી, બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી પણ રમાશે, જે 29 ઓક્ટોબરથી શરૂ થશે.
આ ODI સિરીઝ એટલા માટે પણ ખાસ છે કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિજય મેળવ્યા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય શ્રેણી છે. બંને વરિષ્ઠ ખેલાડીઓના ભવિષ્યને લઈને કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી, ખાસ કરીને શુભમન ગિલને ODI કેપ્ટન બનાવવામાં આવ્યા બાદથી. કોહલી અને રોહિત બંને ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, પરંતુ અહેવાલો અનુસાર, બંને 2027 ODI વર્લ્ડ કપ સુધી રમવા માંગે છે.
ભારતીય ટીમના નવા કેપ્ટન શુભમન ગિલે પણ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે ટીમને કોહલી અને રોહિત જેવા ખેલાડીઓના અનુભવની જરૂર છે. ગિલે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ કહ્યું હતું કે, ‘બંને ખેલાડીઓનો અનુભવ અને તેમણે ભારત માટે જેટલી મેચો જીતી છે, તેમના જેવા બહુ ઓછા ખેલાડીઓ છે. દુનિયામાં આટલો અનુભવ, કૌશલ્ય અને ગુણવત્તા ધરાવતા બહુ ઓછા ખેલાડીઓ છે. ગિલનું આ નિવેદન એ વાતની પુષ્ટિ કરે છે કે યુવા કેપ્ટન સિનિયર ખેલાડીઓની સાથે આગામી વર્લ્ડ કપ સુધી ભારતીય ક્રિકેટને મજબૂત દિશામાં લઈ જવા માંગે છે.
ભારતની આ ODI ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું શાનદાર મિશ્રણ છે. કોહલી અને રોહિત જેવા અનુભવી બેટ્સમેન પાસેથી સ્થિરતાની અપેક્ષા રાખવામાં આવે છે, જ્યારે યશસ્વી જયસ્વાલ, નીતિશ રેડ્ડી અને હર્ષિત રાણા જેવા યુવા ખેલાડીઓ આક્રમક શરૂઆત કરે તેવી અપેક્ષા રાખવામાં આવશે. બુમરાહની ગેરહાજરીમાં અર્શદીપ સિંહને ફાસ્ટ બોલિંગની આગેવાની કરવાની તક મળી શકે છે.

